લખપત રામમંદિરે 1998થી લાઈટ નથી

લખપત રામમંદિરે 1998થી લાઈટ નથી
ગિરીશ એલ. જોશી દ્વારા-  માતાનામઢ (તા. લખપત), તા. 3 : સહરદી લખપત ખાતે ભગવાન શ્રી રામનું સેંકડો વર્ષ પુરાણું મંદિર આવેલું છે. આજે આ મંદિર જોતાં આ જાનકીનાથનું મંદિર દયાજનક હાલતમાં દેખાઈ રહ્યું છે. આ મંદિરની દેખરેખની જવાબદારી સરકારની જાગીર શાખાની છે. જાગીર શાખા દ્વારા એક હજારના માસિક પગાર ઉપર પૂજારી રાખવામાં આવ્યા છે. પૂજારી જયરામગિરિ ગુંસાઈ છેલ્લા 22 વર્ષથી આ રઘુનાથ મંદિરની સેવા નિષ્ઠાથી આજે પણ નિત્યક્રમે કરે છે. તેમનાથી વાત કરતાં તેમણે જણાવ્યું હતું કે, અહીં લખપતમાં સનાતન હિન્દુ સમાજના પાંચ ઘર અત્યારે વસે છે. ખાક ચોકનું રઘુનાથજી મંદિર એ સેંકડો વર્ષો પહેલાં ખાખીબાવાની જાગીર કહેવાતી. આ શ્રી રામના મંદિરની શોભા અનેરી હતી.  ચોક, ગૌશાળા, મંદિરનો કૂવો, ગાદીરૂમ, સાધુસંતો માટે ધર્મશાળા બનાવવામાં આવી હતી. આજે બધું અવાવરુ ભાસે છે. જાગીર શાખા હસ્તક આવતા ચાંદી-સોના ઝવેરાતના આભૂષણો, ચાંદીના દરવાજા, ચાંદી મઢેલું ભગવાન શ્રી રામજીનું સિંહાસન હતા. આજે એ ક્યાં ગયા એ ખુદ ભગવાન જાણે. આ મંદિરમાં કંડલાના વાવાઝોડાં વખતે થાંભલા પડી ગયા હતા. લાઈટના મીટર જી.ઈ.બી.વાળા લઈ ગયા હતા. આજની તારીખે આ રઘુનાથજીના મંદિરમાં લાઈટ નથી. અસંખ્ય વખત અધિકારીઓને જણાવ્યું પણ લખપતના કિલ્લાની બહાર જતા જ બધું ભુલાઈ જાય છે એવું લાગી રહ્યું છે. આવક વગરની જાગીર શાખાઓની હાલત દયનીય કેમ ? એવું અહીંના લોકો જણાવી રહ્યા છે. હવે જ્યારે ભગવાન શ્રી રામનું ભવ્ય મંદિર અયોધ્યામાં બની રહ્યું છે ત્યારે આવા મંદિરોની માવજત સરકાર સારી રીતે કરશે તેવી આશા જાગી છે. 

© 2020 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer