ખડીરમાં બી.એસ.એફ.ના જવાન અને શિક્ષકને સર્પદંશ

ખડીરમાં બી.એસ.એફ.ના જવાન અને શિક્ષકને સર્પદંશ
ચોબારી, તા. 3 : ભચાઉ તાલુકાના ખડીર વિસ્તારના ધોળાવીરા સ્થિત બી.એસ.એફ.ની કરણી સીમા ચોકી પર ગત રાત્રિએ લગભગ નવ વાગ્યાના અરસામાં કેમ્પસમાં કામ કરી રહેલા જવાન સત્યજીત પાંડેને (154 બટાલિયન) સર્પદંશ દેતા તે તુરંત જનાણ આરોગ્ય કેન્દ્ર ઉપર પહોંચ્યા હતા. તો બીજી તરફ રાત્રિના આઠથી નવ વાગ્યાના એ જ અરસામાં જનાણ ગામના શિક્ષક બાબુભાઈ ચૌધરી રાત્રે શાળાના બગીચામાં પાણી પાઈ રહ્યા હતા ત્યારે સર્પદંશ થયો હતો અને તુરંત જ તેઓ પ્રાથમિક આરોગ્ય કેન્દ્રએ પહોંચી આવી તુરંતની ઝડપી સારવાર મળતાં બંને વ્યક્તિઓ ભયમુક્ત છે. જનાણ આરોગ્ય કેન્દ્રના ડો. યતિનભાઈ કેલાએ તુરંત સારવાર આપતાં બંનેએ રાહત અનુભવી હતી. ડોક્ટરના જણાવ્યા પ્રમાણે બી.એસ.એફ.ના જવાનને રસલ્સ વાઈપર અને જનાણના શિક્ષકને કોબ્રા સાપે દંશ દીધો હતો, પરંતુ તુરંત સારવાર મળતાં બંને વ્યક્તિઓને હજુ જનાણ આરોગ્ય કેન્દ્રમાં સારવાર અપાઈ રહી છે. આ સમયે પૂર્વ કચ્છ સીમા જનકલ્યાણ સમિતિના અધ્યક્ષ ઘનશ્યામભાઈ મારાજ તુરંત આરોગ્ય કેન્દ્ર પહોંચીને મદદરૂપ થયા હતા અને ડો. કેલાનો આભાર માન્યો હતો. આખાય કચ્છ જિલ્લાના અલગ અલગ વિસ્તારમાં સેવા આપનારા ડો. કેલા પછાત એવા આ વિસ્તારમાં પોતાની ફરજ બજાવી રહ્યા છે. તેમણે ચોમાસાના આ સમયમાં સર્પથી સાવચેત રહેવા સાંજ કે રાત્રિ સમય દરમ્યાન બૂટ પહેરીને બહાર નીકળવું, રાત્રે ટોર્ચ કે લાઈટનો ઉપયોગ કરવો, ઘાસવાળા કે અવાવરુ જગ્યાએ નહીં જવા અને જો સર્પ દંશ થાય તો ઝાડા-ઝપાટા કે દોરાધાગા કરાવ્યા વિના તુરંત દાક્તરનો સંપર્ક કરવા અને લોકજાગૃતિ દાખવવા અનુરોધ કર્યો હતો. 

© 2020 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer