માતાના મઢ ખાતે શિક્ષક સમાજ દ્વારા સંકલન સભામાં વિવિધ પ્રશ્નો ચર્ચાયા

માતાના મઢ ખાતે શિક્ષક સમાજ દ્વારા સંકલન સભામાં વિવિધ પ્રશ્નો ચર્ચાયા
માતાના મઢ તા. 3 : કચ્છ જિલ્લા પ્રાથમિક શિક્ષક સમાજની સંકલનસભા માતાના મઢ ખાતે યોજાઇ હતી. રાજ્યસંઘના પ્રમુખ દિગ્વિજયાસિંહ જાડેજાની અધ્યક્ષતામાં યોજાયેલી આ બેઠકમાં તાલુકાના પ્રમુખ, મહામંત્રી તથા જિલ્લા અને રાજ્યના હોદ્દારો ઉપસ્થિત રહ્યા હતા. પ્રમુખ નયનાસિંહ જાડેજાએ શાબ્દિક સ્વાગત કર્યું હતું. લખપત તાલુકા પ્રા. શિક્ષક સમાજના પ્રમુખ રોહિતાસિંહ કટારિયાએ પ્રસંગ પરિચય આપ્યો હતો. લખપત તાલુકા પ્રા. શિ. સમાજ વતી  મહામંત્રી ગોપાલભાઈએ દિગ્વિજયાસિંહ જાડેજાનું વિશેષ સન્માન કર્યું હતું. નખત્રાણા તાલુકા પ્રા. શિક્ષક સમાજના પ્રમુખ રામુભા જાડેજાએ ઠરાવ બહાલી અંગે ચર્ચા કરી હતી. સંચાલન ભુજ તાલુકા પ્રાથમિક શિક્ષક સમાજના પ્રમુખ ઘનશ્યામાસિંહ જાડેજાએ અને આભારવિધિ લખપત તાલુકા પ્રાથમિક શિક્ષક સમાજના અધ્યક્ષ બિપિનભાઈ મોદીએ કરી હતી. ભુજ તાલુકા પ્રાથમિક શિક્ષક સમાજના મહામંત્રી મેહુલભાઈ જોશીએ આભાર પુષ્પનું વાંચન, જિલ્લાના શિક્ષક અગ્રણીઓ હરાસિંહ જાડેજા, કેરણાભાઇ આહીર વગેરેએ સંગઠનને બળવત્તર બનાવવા હાકલ કરી હતી. માંડવીના આશાભાઈ રબારી, અબડાસાના સતુભા સોઢા, મુંદરાના મનહરાસિંહ ઝાલા, ગાંધીધામના લાલજીભાઈ ઠક્કર, ભચાઉના શામજીભાઈ આહીર, રાપરના અરજણભાઇ ડાંગર વગેરે દ્વારા વિવિધ પ્રશ્નોની રજૂઆત અને ચર્ચા કરાઈ હતી. વિવિધ પ્રશ્નો જેવા કે પગારની વિસંગતતા, જિલ્લાફેર, ઓવર સેટઅપવાળા  આચાર્યોને મૂળ શાળાનો પુન: લાભ આપવા જેવા પ્રશ્નોની ચર્ચા ઉપરાંત શિક્ષકોના અન્ય પ્રશ્નો જેવા કે સી.આર.સી.ની પ્રતિનિયુક્તિ રદ્ થતાં તેમની મૂળ શાળા આપવામાં આવે, જેનો આગામી સમયમાં નિવેડો લાવવા પ્રયાસો કરવામાં આવશે તેવું જણાવાયું હતું. નખત્રાણા યુનિટ દ્વારા ચાણક્ય ભવન માટે 51 હજારનું દાન અપાયું હતું. લખપત યુનિટના રાજુભાઈ દેસાઈ, જે.ડી. મહેશ્વરી અને હર્ષદભાઈ પંચાલએ જહેમત ઉઠાવી હતી.  

© 2020 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer