એક વર્ષ અગાઉ કરોડના ખર્ચે નિર્મિત માર્ગમાં વરસાદ પડતાં જ ખાડા દેખાયા

એક વર્ષ અગાઉ કરોડના ખર્ચે નિર્મિત માર્ગમાં વરસાદ પડતાં જ ખાડા દેખાયા
કાઠડા (તા. માંડવી), તા. 3 : માંડવીથી પસાર થતો મુખ્ય માર્ગ જે કાયમી ધમધમે છે તેવો શીતલા માતાજી મંદિરથી જૈન આશ્રમ સુધીનો નેશનલ હાઇવે જે અંદાજિત ચાર કિ.મી. ગત ચોમાસા પહેલાં એક કરોડના ખર્ચે બન્યો હતો અને વરસાદ પડતાં જ ઉખડવા લાગતાં આ માર્ગના ખાડા પૂરી દેવાયા, ચાલુ વર્ષે વરસાદ પડતાં અમુક જગ્યાએ વળી ખાડા પડી ગયા છે. જો આવી પરિસ્થિતિમાં વરસાદ પડે અને એ ખાડામાં પાણી ભરાઇ જાય તો પસાર થતા લોકોને આ ખાડા નજર ન પડે તો જોખમ સર્જશે તેવી પરિસ્થિતિ છે. વહેલીતકે આ માર્ગનું સમારકામ કરી દેવાય તેવી માંગ જાગૃત નાગરિકો કરી રહ્યા છે.આ અંગે નેશનલ હાઇવે વિભાગના નાયબ કાર્યપાલક ઇજનેર (માંડવી)ના પી. જે. ઠક્કરનો સંપર્ક કરતાં તેઓએ ગત વર્ષે જ એક કરોડના ખર્ચે આ 4 કિ.મી. રસ્તો બન્યો હોવાનું સ્વીકારતાં કહ્યું હતું કે, જ્યાં ખાડા દેખાય છે ત્યાં એક જગ્યાએ વર્ષો પહેલાં મીઠાની ગાડી આ રસ્તે ઊંધી થઇ જતાં જેના કારણે આવો પ્રશ્ન ઉદ્ભવે છે. તો અન્ય જગ્યાએ નગરપાલિકાની પાણીની લાઇન નીચેથી પસાર થાય છે, જેથી જમીન બેસતાં આવા પ્રશ્નો ઉદ્ભવે છે અને આ અંગે નગરપાલિકાને જાણ કરાઇ છે અને આ અંગે ઘટતું થાય તે માટે ટૂંક સમયમાં કામ હાથ ધરાશે તેવું ઉમેર્યું હતું. 

© 2020 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer