અંજારમાં કોવિડ-19 હોસ્પિટલ કાર્યરત

અંજાર, તા. 3 : જિલ્લામાં કોરાનાથી સંક્રમિતોનો આંક પપ0ને પાર ગયો છે. જેમાં અંજાર શહેરમાં 50થી વધુ લોકો કોરોનાગ્રસ્ત થયા છે.   આગામી સ્થિતિને ધ્યાને રાખીને  આરોગ્ય તંત્ર અને વહીવટીતંત્ર દ્વારા અંજાર સામૂહિક આરોગ્ય કેન્દ્રમાં 32 બેડની સુવિધા સાથે આજથી કોવિડ-19 હોસ્પિટલ કાર્યરત કરવામાં આવી હોવાના અહેવાલ પ્રાપ્ત થયા હતા.લોકડાઉનના કાર્યકાળ દરમ્યાનથી અંજાર સામૂહિક આરોગ્ય કેન્દ્રમાં કોરોનાના દર્દીઓને સારવાર માટે તંત્ર  દ્વારા  તૈયારીઓ હાથ ધરવામાં આવી હતી. જે તે સમયે અહીં આઈસોલેશન વોર્ડ સહિતની વ્યવસ્થા કરાઈ હતી. તાજેતરમાં કેસોની વધતી જતી સંખ્યાને ધ્યાને રાખીને   કોરોનાથી સંક્રમિતોને સારવાર આપવા માટે અંજારનાં સરકારી આરોગ્ય કેન્દ્રમાં બે મેડિકલ ઓફિસર,  ત્રણ પરિચારિકા  અને એક ક્રિટિકલ કેર તબીબ સાથે 6 જણનો સ્ટાફ દર્દીઓને સાજા  કરવા માટે ખડેપગે રહેશે. આ અહીં ઓક્સિજનની વ્યવસ્થા પણ ઊભી કરવામાં આવી છે. હાલના તબક્કે કોરોનાના સામાન્ય લક્ષણો ધરાવતા  દર્દીઓને અહીં સારવાર આપી  શકાશે તેવું આરોગ્યતંત્રના   જાણકારોએ જણાવ્યું હતું.અંજારમાં આવેલા કોરોના કેસો પૈકીના એક દર્દીને શહેરના સામૂહિક આરોગ્ય કેન્દ્રમાં સારવાર માટે રાખવામાં આવ્યો હોવાની વિગતો પ્રાપ્ત થઈ હતી. અંજાર સામૂહિક આરોગ્ય કેન્દ્રના સત્તાધીશોએ  જણાવ્યું હતું કે, કોવિડ-19 હોસ્પિટલનો  સ્ટાફ  અલગ  રહેશે. આ  કેન્દ્રમાં  આવવા-જવાનો રસ્તો પણ અલાયદો રખાયો છે. અંજાર આરોગ્ય કેન્દ્રમાં દર્દીઓના હિતમાં અને તેની સુરક્ષાને ધ્યાને રાખીને  આરોગ્યલક્ષી સેવાઓ  ચાલુ રાખવામાં આવશે. આ માટે પણ અલગ સ્ટાફ ફરજ બજાવશે. કોવિડ-19નું કેન્દ્ર ચાલુ થવાથી   લોકોને કોઈ પ્રકારની મુશ્કેલી પડશે નહીં તેવું અધિકારીઓએ ઉમેર્યું હતું.  

© 2020 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer