સાયબર ક્રાઈમની સમજ આપતી અને તેનાથી બચવાના ઉપાયોની વેબસાઈટ લોન્ચ

ભુજ, તા. 3 : સાયબર ક્રાઈમ અંગે સમજ આપતી અને તેનાથી બચવાના ઉપાયોની સરળ ગુજરાતી ભાષામાં સમજ આપતી વેબસાઈટ  CyberSamvad.com  બોર્ડર રેન્જના આઈજીપી સુભાષ ત્રિવેદીએ આજે લોકોને સમર્પિત કરી હતી. ગત ઓગસ્ટ-2018 દરમ્યાન પશ્ચિમ કચ્છ-ભુજ, પૂર્વ કચ્છ-ગાંધીધામ, પાટણ તેમજ બનાસકાંઠા એમ ચારેય જિલ્લાનું કાર્યક્ષેત્ર ધરાવતું સાયબર ક્રાઈમ પોલીસ સ્ટેશન કાર્યાન્વિત કરવામાં આવ્યું છે. આ પોલીસ સ્ટેશન દ્વારા ફેસબુક, ટ્વિટર, ટેલિગ્રામ તથા યુ-ટયુબ જેવા વિવિધ સોશિયલ મીડિયા મારફતે CyberSamvad.com ના નામથી સાયબર ક્રાઈમ અંગે લોકોમાં જાગૃતિ લાવવાના પ્રયાસો અવિરતપણે થઈ રહ્યા છે. તેવામાં આજે લોકાર્પિત થયેલી વેબસાઈટ CyberSamvad.com  મારફતે લોકો વિવિધ પ્રકારના સાયબર ક્રાઈમ અંગે માહિતી મેળવી શકશે તેમજ જો કોઈ સાયબર ક્રાઈમનો ભોગ બની જાય તો તેઓએ કેવા પ્રકારના આધાર-પુરાવાઓ સાથે પોલીસ સ્ટેશનમાં અરજી ફરિયાદ કરવી તેની માહિતી પણ ઉપલબ્ધ છે.આ ઉપરાંત આજકાલ લોકોને બેન્કના નામે અલગ-અલગ નંબરો પરથી બોગસ કોલ આવી રહ્યા છે તો આવા નંબરો પણ આ વેબસાઈટ પર રિયલ ટાઈમમાં અપડેટ કરવામાં આવશે તેમજ સાયબર ક્રાઈમથી બચવા શું કવું અને શું ન કરવું ? તેની માહિતી પણ આપવામાં આવી છે. આઈ.જી.પી. શ્રી ત્રિવેદીએ સાયબર ક્રાઈમ પોલીસ સ્ટેશનના આ પ્રયાસને વધુમાં વધુ લોકો સુધી પહોંચાડવા લોકોને અપીલ કરી હતી અને આ વેબસાઈટ તૈયાર કરવા અને સતત અદ્યતન રાખવા સાયબર ક્રાઈમ પોલીસ સ્ટેશનના પોલીસ ઈન્સ્પેકટર ભાવિન સુથાર તેમજ તેઓના માર્ગદર્શન હેઠળ એ.એસ.આઈ. હિતેષ કમલકાંતે જહેમત ઉઠાવી રહ્યા છે તેવું સાયબર ક્રાઈમ પોલીસ સ્ટેશન બોર્ડર રેન્જ ભુજની યાદીમાં જણાવાયું છે. 

© 2020 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer