સંક્રમણરૂપી બારૂદ પર બેઠેલો ભચાઉ પંથક

મનસુખ ઠક્કર દ્વારા-  ભચાઉ, તા. 3 : મુંબઇ સાથે સામાજિક, આર્થિક, પારિવારિક નાતો ધરાવતા ભચાઉમાં કોરોનાના દર્દીઓએ ભય જગાવ્યો છે, તેમાંયે નાનકડા મકાનમાં ઘરના સાતથી આઠ સભ્યોને હોમ કવોરન્ટાઇન કરાય ત્યારે અનેક પ્રશ્નો સર્જાય તે સમજી શકાય, પરંતુ ભચાઉમાં `પહેલો સગો પાડોશી'ની ઉપમા આપનારા વચ્ચે ગજગ્રાહ થાય તેવી ભીતિ સેવાય છે. બીજી તરફ મુંબઇ, મહારાષ્ટ્ર, દક્ષિણ ગુજરાત, મધ્યપ્રદેશ, સુરત સહિતથી આવતા મૂળ વાગડવાસી તેમજ કંપનીમાં કામ માટે આવતા શ્રમિકોની અવર-જવરે જોખમ સર્જ્યું છે.પરિસ્થિતિ એવી છે કે, જલારામ સોસાયટી જેવા ગીચ વિસ્તારમાં કેસ પોઝિટિવ આવતાં સંયુકત કુટુંબમાં રહેતા અનેક પરિવારો ઘરમાં પુરાઇ ગયા છે. આ વિસ્તાર સેનિટાઇઝ કરાય તેવી માંગ ઊઠી છે. આ નગરમાં કોરોનામાં બે વૃદ્ધ અને યુવાનનું મૃત્યુ થયું છે, જેમાં આ કેસો ચોપડે પણ ચડયા નથી તે ગંભીર છે. એક કિસ્સામાં તો વૃદ્ધ પોઝિટિવ કેસને તેના કુટુંબીઓ ચૂપચાપ ભચાઉ લઇ?આવ્યા ને ખાનગી તબીબને બતાવતાં તેમણે સરકારી તંત્રને  જાણ કરી, પરંતુ કર્મચારીએ પૂછ્યું કે ઉમર શું છે ? 77 વર્ષના હોવાથી આરામ કરવા કહ્યું અને તેનું અહીં મૃત્યુ થયું. જાણકારો કહે છે મુંબઇમાં કોરોનાની  સારવારનો ખર્ચ અધધધ થાય છે. ત્યારે કચ્છની વાટ પકડી લેવાય છે. બીજા કેસમાં તેના જ પરિવારનો યુવાન બીમાર પડયો તેને ભુજની જનરલમાં દાખલ કરાયો અને રિપોર્ટ આવે તે પહેલાં જ મૃત્યુ પામ્યો. પરોઢિયે કુટુંબની ત્રણ વ્યકિતઓને બોલાવ્યા, અગ્નિદાહ આપ્યો. હવે તે જેના સંપર્કમાં આવ્યો હશે તેનું શું ? આવી જ રીતે ગાંધીધામમાં એક દર્દી દાખલ થયા ને મૃત્યુ થયું તો અન્ય સગા કાકા-ભત્રીજા પણ મૃત્યુ પામ્યા છે. વાગડ સાત ચોવીસી જૈન મહાજનની ભચાઉમાં મોટી વસાહત છે. તેમના સગા વહાલાં દાદર, મલાડ, ઘાટકોપર, મુલુન્ડમાં કુલ 1300 પરિવાર મુંબઇમાં વસે છે. જેમાં 50 કેસ પોઝિટીવ આવ્યા છે. તો સુરતમાં 700 ઘરની વસતી છે. આમ ભચાઉથી મુંબઇ કે સુરત વચ્ચે એકબીજાના સગા વહાલાંની અવર-જવર ભચાઉ માટે ચિંતાજનક છે. દરમ્યાન નવા બનેલા `નમસ્કાર' તીર્થ રામદેવ મંદિર પાસેના દેરાસર વિશ્રાંતિગૃહના 30 રૂમમાં મુંબઇવાસીઓ રોકાય છે. તો વાગડના દુધઇથી પીપરાળા સુધી આ ગામના મુંબઇમાં બે લાખથી વધુ પટેલ સમાજના સભ્યો વસે છે. તો ભચાઉ, આધોઇ, વોંધ, શિકરા, આંબરડી, કબરાઉમાં કાર અને લકઝરીથી આવ-જાવ કરે છે. અતિથિ તરીકે આવેલા પરિવારો બજાર માર્કેટમાં ભારે ગીરદીમાં ફરે છે, તો વેપારીઓ પણ કુંડાળા ભૂલી ગયા છે. આ સંજોગો આવનારા દિવસોના ખરાબ સંકેત ન હોય તો સારું તેવું જાણકારો કહે છે. 

© 2020 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer