20 ઓગસ્ટ પહેલાં યુએઇ જવાની કોઇ ટીમને છૂટ નહીં

નવી દિલ્હી, તા.3 :આઇપીએલની 13મી સિઝનની બીસીસીઆઇએ આખરે સત્તાવાર જાહેરાત કરી દીધી છે. આઇપીએલ-2020 કોરોના મહામારી વચ્ચે યુએઇમાં તા. 19 સપ્ટેમ્બરથી 10 નવેમ્બર દરમિયાન રમાશે. જો કે હજુ આઇપીએલનો પૂરો કાર્યક્રમ બીસીસીઆઇ દ્વારા જાહેર કરવામાં આવ્યો નથી. આઇપીએલ ગવર્નિંગ કાઉન્સિલની બેઠક બાદ તમામ ફ્રેંચાઇઝીઓને તાકીદ કરવામાં આવી છે કે તા. 20 ઓગસ્ટ પહેલા કોઇ ટીમ યુએઇ માટે ઉડાન ભરી શકશે નહીં. જે ધોનીની ટીમ ચેન્નાઇ સુપર કિંગ્સ અને વર્તમાન વિજેતા મુંબઇ ઇન્ડિયન્સ માટે આંચકારૂપ છે. કારણ કે આ બન્ને ટીમે તા. 10 અને 12 ઓગસ્ટે યુએઇ પહોંચવાની યોજના બનાવી હતી. હવે બીસીસીઆઇના નિર્ણયથી આ બન્ને ટીમ પણ તા. 20 ઓગસ્ટ બાદ જ યુએઇ જઇ શકશે. બીસીસીઆઇના એક અધિકારીએ સ્પષ્ટ કર્યું છે કે યુએઇમાં આઇપીએલના આયોજન માટે અમને હજુ ખેલ મંત્રાલયની મંજૂરી મળી છે. ભારત સરકારની બાકી છે. જે અમને એક-બે દિવસમાં મળી જશે તેવો વિશ્વાસ છે. આ ઉપરાંત કોવિડ-19 વાઇરસને ધ્યાને રાખીને દરેક ટીમને વધુમાં વધુ 24 ખેલાડીને યુએઇ લઇ જવાની મંજૂરી આપવામાં આવી છે. પ3 દિવસની ટૂર્નામેન્ટમાં 10 ડબલ હેડ મેચ (એક દિવસમાં બે મેચ) હશે. 

© 2020 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer