વડાલા-ભદ્રેશ્વર માર્ગ પર ટ્રેઇલરે બાઇકચાલકને અડફેટે લેતાં મોત

ભુજ, તા. 3 : ગઇકાલે મુંદરા તાલુકાના વડાલાથી ભદ્રેશ્વર જતા માર્ગ પરના રેલવે ફાટક પાસે યમદૂત સમા ટ્રેઇલરે મોટરસાઇકલ ચાલક 26 વર્ષીય રાજેશ છગનભાઇ કોળીને અડફેટમાં લઇ અકસ્માત સર્જતાં રાજેશને માથામાં ગંભીર ઇજા થતાં તેનું પ્રાણપંખેરું ઊડી ગયું હતું. જ્યારે અંજાર તાલુકાના ભીમાસર સીમ પાસે બાઇક સ્લિપ થઇ જતાં તેના ચાલક તપન સારુરામ ગુગોઇને માથામાં ઇજાના લીધે મોત થયું છે. રવિવારે રાત્રે 8થી 8:45 દરમ્યાન વડાલાથી ભદ્રેશ્વર જતા રોડ પરના રેલવે ફાટક પાસે ભારેખમ ટ્રેઇલર નં. જી.જે. 12-બીડબલ્યુ 9193ના ચાલકે હોન્ડા ડ્રીમનીઓ મોટરસાઇકલ નં. જી.જે. 12-સીએચ 2554 વાળીને અડફેટે લેતાં અકસ્માત સર્જાયો હતો. આ અકસ્માતમાં  કાર્ગો ઝૂંપડપટ્ટી-ગાંધીધામ ખાતે રહેતા મોટરસાઇકલ ચાલક રાજેશ કોળીને માથામાં ગંભીર પ્રકારની ઇજા થતાં તેનું મોત થયું છે. માથામાં ગંભીર પ્રકારની ઇજા થતાં તેનું મોત થયું છે. આ બાબતે મુંદરા મરિન પોલીસમાં રાજેશના પિતા છગનભાઇએ ટ્રેઇલર ચાલક વિરુદ્ધ ફરિયાદ નોંધાવી છે. બનાવની તપાસ પી.એસ.આઇ. એસ. એ. ગઢવી ચલાવી રહ્યા છે. દરમ્યાન, ગઇકાલે રાત્રે મૂળ આસામ હાલ ભીમાસરની જી.એસ.એમ. કંપનીની કોલોનીમાં રહેતા તપન ગુગોઇ?મોટર સાઇકલ નં. જી.જે. 12 બી.એ. 8040વાળી લઇને માલસામાન લેવા ગયો હતો ત્યારે ભીમાસરની સીમ નજીક ડી.કે. કંપની સામે બાઇક સ્લિપ થઇ જતાં તેને માથામાં ગંભીર ઇજા પહોંચી હતી. 108 મારફત અંજારની સરકારી હોસ્પિટલમાં લઇ જતાં ફરજ પરના તબીબે તેને મૃત જાહેર કર્યા હતા. પોલીસે ગુનો નોંધી તપાસ આદરી છે. 

© 2020 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer