સત્તા કોઈની કાયમી નથી, કલેક્ટર ગંભીરતા દાખવે : ધારાસભ્ય

રાપર, તા. 3 : સત્તાપક્ષને માત્રને માત્ર તાયફાઓ અને જશ ખાટવામાં જ રસ છે. બાકી તો અત્યારે ફતેહગઢ ડેમ ખાતે જળ શુદ્ધિકરણ પ્લાન્ટ ચાલુ થઈ ગયો હોત તેવું રાપર વિભાગના ધારાસભ્ય સંતોકબેન આરેઠિયાએ જણાવ્યું હતું. ધારાસભ્યએ જણાવ્યું હતું કે, પોતે વાગડ વિસ્તારની પાયાની જરૂરિયાત અંગે હરહંમેશ ચિંતિત રહ્યા છે ત્યારે વારંવારની રજૂઆતો રાપર તાલુકાના 17 જેટલા ગામડાંઓ અને 23 જેટલી વાંઢોને સાંકળતી ફતેહગઢ ડેમ આધારિત ફતેહગઢ જૂથ પાણી પુરવઠા યોજના અંતર્ગત 27 કરોડની યોજના અંતર્ગત ફિલ્ટર પ્લાન્ટ, ક્લીયર વોટર સમ્પ, ડી.આઈ. અને પી.વી.સી. પાઈપ લાઈનનાં કામનું ભૂમિપૂજન કરવામાં આવ્યું હતું ત્યારે પ્રોટોકોલ મુજબ સ્થાનિક ધારાસભ્યને આમંત્રણ આપવાનું હોય છે. ત્યારે પાણી પુરવઠાના વહીવટી તંત્રએ સ્થાનિક ધારાસભ્યને આમંત્રણ જ આપ્યું ન હતું. પ્રોટોકોલ ભંગ અંગે કાર્યવાહી થવી ખૂબ જ જરૂરી છે તેવી ફરિયાદ કલેક્ટર સમક્ષ કરી હોવાની વાત કરી હતી. ફતેહગઢ ડેમમાં જળ શુદ્ધિકરણ પ્લાન્ટ માટે જિલ્લા લેવલથી લઈને ગાંધીનગર સુધી વારંવાર રજૂઆતો પણ ધારાસભ્ય દ્વારા જ કરાઈ હતી તેમજ રાજ્યના પાણી પુરવઠા મંત્રીને પણ મૌખિક મળીને વારંવાર રજૂઆતો પણ કરાઈ હતી, પરંતુ માત્રને માત્ર તાયફાઓ અને જશ ખાટવા સત્તાપક્ષ ગાંડો બને છે અને હરહંમેશ માટે અગ્રેસર રહે છે. ત્યારે કોઈ પણ નાનું કામ હોય કે મોટું તરત રિબિન કાપવામાં ઉત્સુક લોકો જો રજૂઆતો અને મંજૂરીઓ માટે દોટ કરતાં હોય તો અત્યારની પરિસ્થિતિ કંઈક જુદી જ હોય. અધિકારીઓને ચેતવણી આપતાં જણાવ્યું હતું કે, સત્તા એ કોઈની કાયમી જાગીર નથી તેમજ વહીવટી તંત્રનું કામ પ્રોટોકોલ મુજબ જ કરવું જોઈએ તેમજ જિલ્લા કલેક્ટરે આ બાબતને ગંભીરતાથી લઈ આવા બેજવાબદાર અધિકારીઓ વિરુદ્ધ પ્રોટોકોલ ભંગ અંગે કાર્યવાહી કરવી ખૂબ જ જરૂરી છે તેવું સંતોકબેને જણાવ્યું હતું. બીજી બાજુ રાપર તાલુકાના સુવઈ ડેમ ખાતે પણ વારંવારની રજૂઆતોના અંતે મંજૂર થયેલી 38 કરોડ       જેટલી રકમની કામગીરી પણ ઝડપી શરૂ કરવાની ટકોર કરી હતી. 

© 2020 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer