રોટરી માંડવીને શ્રેષ્ઠ કાર્ય માટે નવ એવોર્ડ મળ્યા

માંડવી, તા. 3 : 40 વર્ષથી માંડવીમાં કાર્યરત રોટરી ક્લબને વર્ષ 2019-20 દરમ્યાન થયેલા વિવિધ સેવાકીય કાર્યો માટે રોટરી ડિસ્ટ્રીક્ટ 3054ના ડિસ્ટ્રીક્ટ ગવર્નર બીનાબેન દેસાઈ દ્વારા ડિસ્ટ્રીક્ટ એવોર્ડ કાર્યક્રમમાં કુલ 9 જેટલા એવોર્ડ જાહેર કરીને ક્લબની કામગીરીને બિરદાવાઈ હતી. રોટરી ક્લબ માંડવી દ્વારા સમગ્ર વર્ષ દરમ્યાન પ્રમુખ ભાવિનભાઈ ગણાત્રા અને મંત્રી તેજસ વાસાણી દ્વારા કરાયેલા મુખ્ય કાર્યોની નોંધ કરવામાં આવી હતી. માંડવી ક્લબને બેસ્ટ આઉટસ્ટેન્ડિંગ ક્લબ, બેસ્ટ આઉટસ્ટેન્ડિંગ પ્રમુખ અને બેસ્ટ આઉટસ્ટેન્ડિંગ મંત્રીના એવોર્ડ કુલ 70થી વધુ ક્લબોમાંથી પાંચ ક્લબોને જાહેર થયા હતા. તેમાં માંડવી ક્લબનો સમાવેશ થયો હતો. આ સાથે માંડવીમાં પોલિયો દિવસની ઉજવણી, પલ્સ પોલિયો અભિયાનનો પ્રચાર, પોલિયો બૂથનું સંચાલન અને છેલ્લા 38 વર્ષથી ચાલતા વેક્સિનેશન સેન્ટરની કામગીરીની નોંધ લઈ કુલ 130 ક્લબોમાંથી `બેસ્ટ પોલિયો એક્ટિવિટી'નો એવોર્ડ આપવામાં આવ્યો હતો. માંડવીમાં પ્રથમ વખત હેરિટેજ ફોટો વોક, ઓપન ગુજરાત ફોટોગ્રાફી હરીફાઈ, આંતરરાષ્ટ્રીય ફોટોગ્રાફર માંડવીના વસંતભાઈ સંઘવીનું `વન-મેન-શો' ફોટો પ્રદર્શન, માંડવીમાં સુથારીકામના વ્યવસાય સાથે અનેકોને રોજગાર માટે મદદરૂપ થતા જુસબ જુમા અને રોટરી માંડવીનું વેક્સિનેશન સેન્ટર ચલાવતા નિવૃત્ત સરકારી કર્મચારી હરેશભાઈ ત્રિવેદીને વોકેશનલ એવોર્ડ આપવામાં આવ્યા. માંડવીમાં પ્રથમ વખત જિલ્લા રોજગાર કચેરીના સહયોગથી આયોજિત રોજગાર મેળો જેમાં 210 ઉમેદવારો હાજર રહ્યા અને 140 જેટલા ઉમેદવારોને કચ્છની વિવિધ કંપનીઓ દ્વારા સ્થળ પર જ નોકરીમાં રાખવાના ઓર્ડર આપવામાં આવેલા હતા. પ્રમુખ ભાવિન ગણાત્રાએ આ એવોર્ડ જાહેર કરીને રોટરી માંડવીની કામગીરીને બિરદાવવા માટે ડિસ્ટ્રીક્ટ ગવર્નર બીનાબેન દેસાઈ અને માર્ગદર્શન માટે ડી ટીમનો અભાર માન્યો હતો. કચ્છના પૂર્વ ગવર્નરો ભરતભાઈ ધોળકિયા, મોહનભાઈ શાહ, ડો. જ્ઞાનેશ્વર રાવ, આસિ. ગવર્નર અરુણભાઈ વછરાજાની, જયેશભાઈ શાહ સહિતના અગ્રણીઓ તથા કચ્છની તમામ ક્લબોના પ્રમુખ, મંત્રીઓએ સૌથી વધુ એવોર્ડ મેળવીને કચ્છને ગૌરવ અપાવવા માટે રોટરી માંડવીની ટીમને અભિનંદન આપ્યા હતા. 

© 2020 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer