કચ્છી મુશાયરા સાથે પુસ્તક વિમોચન માટેનો ઓનલાઇન કાર્યક્રમ યોજાયો

ભુજ, તા. 3 : કચ્છી સાહિત્ય મંડળની કચ્છી ભાષા પ્રસાર-પ્રચાર અને સંવર્ધન હેતુતી થતી પ્રવૃત્તિઓ અંતર્ગત મદનકુમાર અંજારિયા `ખ્વાબ'ની કવિતાઓનું ડો. રમેશ ભટ્ટ `રશ્મિ' અનુવાદિત સમક્ષ અને ડો. મંજુલાબેન ભટ્ટ લિખિત `ગભૂરેંજા નાટક' પુસ્તકનું ઓનલાઇન વિમોચન કરવામાં આવ્યું હતું. સંજોગોવસાત્ લેખક હાજર ન રહી શક્યા હતા. તેમના પુત્રી ડો. કેકા અને હાર્દિક શુકલ તેમજ સર્જકોના હસ્તે આ બંને પુસ્તકોનું વિમોચન કરાયું હતું. કચ્છી સર્જકોના અન્ય પંદર વીડિયો મૂવીનું પ્રસારણ?કરાયું હતું, જેનું શૂટિંગ અને એડિટિંગ લાલજી મેવાડા `સ્વપ્ન'એ કર્યું હતું. કચ્છી સાહિત્ય મંડળના દાતા જગદીશભાઇ ગોરી (ગોવા), બુદ્ધિચંદભાઇ મારૂ (શેમારૂ -મુંબઇ), નવીન પટેલ (તંત્રી `કચ્છ અર્પણ'?-વડોદરા), હેમંત ભોણા (સોલાપુર), હિતેશ સુથાર એમ પચાસેક સર્જક-ભાવક આ કાર્યક્રમમાં જોડાયા હતા. આ પ્રસંગે  વકીલ લાલજી નાનજી (નલિયા-કચ્છ) લિખિત `કચ્છી હિન્દી પહલા પુસ્તક' (પ્રકાશન-1949)ને ઇ-બુક સ્વરૂપે નેટ પર મૂકવામાં આવ્યું હતું, જે કચ્છી સાહિત્ય મંડળને ચંદ્રવદન મહેતા `સારસ' (ભુજ) તરફથી ભેટ આપવામાં આવ્યું હતું. જગદીશભાઇ ગોરીએ જણાવ્યું હતું કે, સાંપ્રત સમય માટે આ કાર્ય અતિ ઉચિત અને સરાહનીય છે. જે કચ્છ બહાર રહેતા કચ્છી ભાઈઓ પાસે પણ પહોંચી શકશે. બુદ્ધિચંદભાઈ મારૂએ ખુશી વ્યક્ત કરતાં જણાવ્યું કે, કચ્છી ભાષાના પ્રસાર-પ્રચારમાં  સાંપ્રત સમય માટે આ યોગ્ય પગલું છે.શંકરભાઇ સચદે, જોરાવરસિંહ રાઠોડ, જયંતી જોશી `શબાબ'એ શુભેચ્છા પાઠવી હતી. ક.સા.મ. પ્રમુખ લાલજી મેવાડા?`સ્વપ્ન'એ જણાવ્યું હતું કે, કચ્છીભાષામાં હજી વધારે ખેડાણ થાય અને ઇન્ટરનેટના માધ્યમથી જ્યાં કચ્છી માડુ વસતા હોય ત્યાં તેમને કચ્છી ભાષાનું સાહિત્ય પ્રાપ્ત થાય તે માટે દ્વિમાસિક ઇ-બુક `સંભાર'નું પ્રકાશન કરવામાં આવશે, જેમાંની દરેક પદ્ય કૃતિને સો રૂપિયા અને ગદ્ય કૃતિને  બસો રૂપિયાનું રોકડ પુરસ્કાર આપવામાં આવશે. સર્જકે પોતાની અપ્રકાશિત કૃતિઓ લાલજી મેવાડા `સ્વપ્ન'ના સરનામે મોકલાવી પહેલું પુસ્તક ઓગસ્ટ માસમાં પ્રકાશિત કરવામાં આવશે. મનીષ મેવાડા અને અજય મેવાડા ઓનલાઇન સેવામાં રહ્યા હતા. 

© 2020 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer