પર્યાવરણમાં ફેરફારો સામે ટકી રહેવા વૃક્ષનું મહત્ત્વ સમજાવાયું

બિદડા, તા. 3 : શ્રી યક્ષનારાયણ મંદિર (જખાતર) બિદડા તેમજ મોટા ભાડિયા ખાતે રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘના કાર્યકર્તાઓ તેમજ ગ્રામજનોના સહિયારા પ્રયાસથી વૃક્ષારોપણનો કાર્યક્રમ યોજાયો હતો. જેમાં બિદડા જખાતર ખાતે કુલ 100 વૃક્ષોમાંથી 72 વૃક્ષો, શ્રી યક્ષ નારાયણના નામથી અને બાકીના અન્ય સંતોના નામ આપી ફરતે ટ્રી ગાર્ડ સાથે દાતા પરિવારોના હસ્તે રોપવામાં આવ્યાં હતાં.આ પ્રસંગે રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘના સૌરાષ્ટ્ર પ્રાંતના ગ્રામ વિકાસ પ્રમુખ મનોજભાઈ સોલંકીએ પર્યાવરણના મહત્ત્વ અને આવનારા સમયમાં પર્યાવરણીય ફેરફારો સામે ટકી રહેવા વૃક્ષોના વ્યાપક મહત્ત્વ અને ઉપયોગીતા વિશે જણાવ્યું હતું. મોટા ભાડિયા ખાતે આર.એસ.એસ. અને ગ્રામ વિકાસ સમિતિ દ્વારા નવ વડ વાવવામાં આવ્યા હતા.છેલ્લા કેટલાક વર્ષોથી આ ગામમાં આર.એસ.એસ.ના સ્વયંસેવકો દ્વારા જળસંચય અને વૃક્ષારોપણના સારાં કામો જનભાગીદારીથી થયાં છે અને તેના સારાં પરિણામો પણ મળ્યાં છે. આ વર્ષે ગ્રામ વિકાસ સમિતિ દ્વારા ગામના તળાવની આવ ચોખ્ખી કરી 22,000 ઘન મીટર માટીકામ કરી તળાવ ઊંડું કર્યું અને નદીમાંથી નવી આવ બનાવવાના કારણે ચોમાસાંના પહેલા વરસાદે જ તળાવ ઓગની ગયું હતું. આમ ગામની ગ્રામ વિકાસ સમિતિ દ્વારા પાણી અને પર્યાવરણ ક્ષેત્રે જવાબદારીપૂર્વક જનઆંદોલન દ્વારા કામો થયાં છે અને હજુ અવિરત ચાલુ છે.રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘના સૌરાષ્ટ્ર પ્રાંતના પર્યાવરણ ગતિવિધિ સંયોજક નારણભાઈ વેલાણી, માંડવીના તાલુકા સંઘચાલકજી રાજેશભાઈ સોરઠિયા, સરપંચ નાગશીભાઈ ગઢવી, રાણશી જેઠા ગઢવી, મંગલભાઈ ગઢવી, રતનભાઈ પેથાભાઈ, અરજણભાઈ ગઢવી, દેવાંગભાઈ ગઢવી, નાગશી હરપાર, ચારણ સમાજના પ્રમુખ રતન ગઢવી ઉપસ્થિત રહ્યા હતા.

© 2020 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer