ભચાઉમાં મૃતક યુવાનના પરિવારને આર્થિક સહાય આપો

ભચાઉ, તા. 3 : ભચાઉમાં વિદ્યુત શોકથી મૃત્યુ પામેલા યુવાનના પરિવારને ન્યાય અપાવવા શહેર કોંગ્રેસ દ્વારા મુખ્યમંત્રી સમક્ષ રજૂઆત કરવામાં આવી હતી.ભચાઉ નગરમાં ગેટકોની ભૂલના કારણે નગરની મુખ્ય બજારમાં શિવાજી ગેટ, વોંધનાકા બાજુ પોતાની માલિકીની દુકાનમાં વેલ્ડિંગનો  વ્યવસાય કરતા યુવાન નિકુલ  શિવજીભાઇ લુહાર (ઉ.વ.22)ને પાવર વધ-ઘટ થતાં કરંટ લાગતાં તત્કાલ આ યુવાનનું મૃત્યુ થયું હતું. સ્થાનિક બજારના દુકાનદારોએ આ વીજ પાવર વધ-ઘટ બાબતે અનેક વખત ભચાઉ સ્થાનિક વીજતંત્ર કચેરીએ રજૂઆતો કરી હતી, પરંતુ જવાબદાર તંત્ર દ્વારા કોઇ જ પગલાં લેવાયાં નથી. લુહાર પરિવારનો આ હતભાગી યુવાન એના માતા-પિતાનો  એકનો એક કમાનારો પુત્ર હતો. જેથી આ પીડિત પરિવારને યોગ્ય વળતર ચૂકવાય અને ભચાઉ વીજતંત્રના જવાબદાર અધિકારીઓ ઉપર કાયદેસર શિક્ષાત્મક પગલાં લેવાય. જેથી આવી દુર્ઘટના ભવિષ્યમાં ન બને અને લોકોની સુરક્ષા જળવાઇ રહે તેવી માગણી શહેર કોંગ્રેસના પ્રમુખ ધર્મેન્દ્રસિંહ જાડેજાએ મુખ્યમંત્રીને લખેલા પત્રમાં કરી હતી. 

© 2020 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer