ડ્રેગન ફ્રૂટને `કમલમ્ ફ્રૂટ''ની ઓળખ આપો

ડ્રેગન ફ્રૂટને `કમલમ્ ફ્રૂટ''ની ઓળખ આપો
ભુજ, તા. 2 : શક્તિવર્ધક ડ્રેગન ફ્રૂટને સમગ્ર દેશમાં કમલમ્ ફ્રૂટ તરીકેની ઓળખ મળે તે માટે કચ્છના કિસાનો દ્વારા સાંસદને આવેદનપત્ર આપી માંગ કરાઈ હતી. રોગપ્રતિકારક ફળ જેનું વિદેશી નામ ડ્રેગન ફ્રૂટ છે. તેની ખેતી કચ્છમાં વિપુલ પ્રમાણમાં થાય છે અને તેનો ઉલ્લેખ તાજેતરમાં જ વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીએ મન કી બાતમાં કરતાં જણાવ્યું કે, કચ્છમાં આ ફળની ઊંચી ગુણવત્તા તથા ઓછી જમીનમાં વધારે ઉત્પાદન થતું હોવાથી કચ્છના કિસાનોને બિરદાવ્યા હતા. કચ્છના ખેડૂતો તેને કમલમ્ ફ્રૂટ તરીકે ઓળખે છે અને દેશભરમાં તેની ઓળખ કમલમ્ ફ્રૂટ તરીકે થાય એ માટે આજે કચ્છ કિસાન કમલમ્ ફ્રૂટ પરિવારના નેજા હેઠળ પ્રેસ કોન્ફરન્સ યોજી હતી. જેમાં સાંસદ વિનોદભાઈ ચાવડાને આમંત્રણ આપવાની સાથે આવેદન સુપરત કરી સરકાર સમક્ષ રજૂઆત કરવા માંગ કરી હતી.આ અવસરે સાંસદ શ્રી ચાવડાએ કિસાનો દ્વારા અપાયેલું આવેદન સ્વીકારતાં જણાવ્યું હતું કે, કમલમ્ ફ્રૂટ શાતાવર્ધક અને કમળની જેમ કલર અને નિખાર ધરાવે છે. શક્તિવર્ધક ફળ અનેક શારીરિક નબળાઈઓ, ગંભીર રોગોમાં ઉપયોગી છે. દિવસોદિવસ આ ફળની લોકપ્રિયતા વધી રહી છે. તેમણે વધુમાં કહ્યું કે, આપણા દેશમાં કમલમ્ ફ્રૂટના ઉત્પાદનમાં વધારો થાય અને આ ફળ આપણે નિર્યાત કરી આત્મનિર્ભર ભારત અભિયાનથી પ્રેરિત થઈ કિસાન ભાઈઓએ સ્વદેશી પહેલ કરી છે તે આવકારદાયક છે. આ બાબતે ભારત સરકાર પાસે રજૂઆતની ખાતરી આપી હતી.કચ્છના કિસાનોની કમલમ્ ક્રાંતિના નિવેદન સમયે આશાપુરા એગ્રો ફ્રૂટ-ભુજ, પિંડોરિયા ફાર્મ-આસંબિયા, પટેલ ફાર્મ-ધુણઈ, કડિયા ફાર્મ-અબડાસા, બાપાદયાળુ ફાર્મ-સામત્રા, વિષ્ણુ ફાર્મ-માજીરાઈ-મંજલ, આશાપુરા ફાર્મ એન્ડ નર્સરી-મોટી મઉં, જેઠવા ફાર્મ-મુંદરા, શ્રીહરિ ફાર્મ-કોડાય, પટેલ ફાર્મ-કોડાય, વાસુ પુન્ય ફાર્મ-ખારુઆ, કે. ડી. ધોળુ ફાર્મ-માનકૂવા, નેચરલ ફાર્મ-ચંદુઆ રખાલના પ્રતિનિધિ સહિત કચ્છ કિસાન `કમલમ્ ફ્રૂટ' પરિવારના કિસાન ભાઈઓ ઉપસ્થિત રહ્યા હતા. 

Crime

© 2020 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer