કોરોના વાયરસના નિયમો માત્ર એસ.ટી. બસને જ શા માટે ?

કોરોના વાયરસના નિયમો માત્ર એસ.ટી. બસને જ શા માટે ?
આડેસર, તા. 2 : કોરોના વાયરસથી લોકોને બચાવવાના નિયમોમાં એકને ગોળ અને એકને ખોળ જેવી સ્થિતિ હોય તેવી ફરિયાદ ઊઠી છે. જાગૃતોના જણાવ્યા અનુસાર સોશિયલ ડિસ્ટન્સ, માસ્ક, સેનિટાઇઝરથી હાથ સફાઇ વિ. નિયમો માત્ર એસ.ટી. બસમાં જ લાગુ પડે છે જ્યારે ખાનગી વાહનોને છૂટ અપાઇ હોય તેવો તાલ સર્જાયો છે. આડેસર આવતી અને જતી તમામ એસ.ટી. બસોમાં મુસાફરોનું ટેમ્પરેચર માપવા, હાથમાં સેનિટાઇઝર લગાવવા, એક કર્મચારીને ઓન ડયૂટી રાખ્યા છે જે પેસેન્જરોને નિયમ પાલન કરાવે છે. બેઠક વ્યવસ્થાથી અડધા પેસેન્જર જ લેવાના હોવાથી અનેક પ્રવાસી ખાનગી વાહનનો આશરો લે છે. ગાંધીધામથી રાધનપુર આવ-જામાં લગભગ પાંચ તૂફાન જીપ વાયા આડેસર ચાલે છે. આ રૂટમાં સામખિયાળી, આડેસર અને પીપરાલા ચેકપોસ્ટ આવે છે. આ સિવાય આડેસરથી સાંતલપુર અને સામખિયાળી માટે આખો દિવસ ખાનગી વાહનો ઠસોઠસ પેસેન્જર ભરીને ચાલે છે અને નિયમોનો છેદ પણ ઊડે છે. જેથી કોરોના વાયરસને રોકવાની જવાબદારી માત્ર એસ.ટી. બસની જ હોય તેવું જાગૃતોને લાગી રહ્યું છે. ઉપરોક્ત બાબતે પોલીસ તંત્ર કડક કામગીરી હાથ ધરે તેવી પણ લોકમાંગ ઊઠી છે. 

© 2021 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer