મુખ્યમંત્રીના જન્મદિને 64 કચ્છી લાભાર્થીને એક જ દિનમાં 1.11 કરોડનું ધિરાણ મંજૂર

મુખ્યમંત્રીના જન્મદિને 64 કચ્છી લાભાર્થીને એક જ દિનમાં 1.11 કરોડનું ધિરાણ મંજૂર
ભુજ, તા. 2 : રાજ્યના મુખ્યમંત્રી વિજયભાઇ રૂપાણીના આજે 64મા જન્મદિન નિમિત્તે તેમની આગેવાની હેઠળની રાજ્ય સરકારે જાહેર કરેલી આત્મનિર્ભર 1 અને 2 યોજના તળે રાજકોટ નાગરિક બેન્કની ભુજ શાખા દ્વારા કચ્છના 64 લાભાર્થીને એક જ દિવસમાં રૂા. 1.11 કરોડના ધિરાણને મંજૂરી આપી હતી. મુખ્યમંત્રીના હસ્તે આજે પ્રતીકાત્મક ચેક પણ અપાયા હતા. સહકારી ક્ષેત્રની આ બેન્ક દ્વારા અત્યાર સુધી એક હજારથી વધુ લાભાર્થીને 100 કરોડથી વધુનું ધિરાણ મંજૂર કરાયું હોવાની વિગતો પણ અપાઇ હતી. આજે રવિવારે ગાંધીનગર ખાતે બેન્કના હોદેદારો અને પ્રતીકાત્મક લાભાર્થીઓની ઉપસ્થિતિમાં એક સાદા કાર્યક્રમ અંતર્ગત આત્મનિર્ભર યોજનાના પ્રતીકાત્મક ચેક લાભાર્થીને અપાયા હતા. મુખ્યમંત્રી વિજયભાઇ રૂપાણીનો આજે 64મો જન્મદિન હોઇ તે અન્વયે રાજકોટ નાગરિક બેન્કની ભુજ શાખા દ્વારા એક જ દિવસમાં 64 લાભાર્થી માટે રૂા. 1.11 કરોડનું ધિરાણ મંજૂર કરાયું હતું. ભુજના ફરસાણના વેપારી યતિનભાઇ કંદોઇને શ્રી રૂપાણીના હસ્તે પ્રતીકાત્મક ચેક અર્પણ કરવામાં આવ્યો હતો. આ પ્રસંગે બેન્કની અમદાવાદ શાખાના ડાયરેકટર પ્રદીપભાઇ જૈન અને ભુજ શાખાના કન્વીનર (ચેરમેન) ધારાશાત્રી દિલીપભાઇ ત્રિવેદી મુખ્યમંત્રી સાથે જોડાયા હતા. આ પ્રસંગે આત્મનિર્ભર યોજના અનુસંધાને મુખ્યમંત્રી શ્રી રૂપાણી સાથે સંવાદ કરી તેમને અત્યાર સુધી કરાયેલી કાર્યવાહી વિશે અવગત કરાયા હતા. બેન્ક દ્વારા અત્યાર સુધી ગુજરાત અને મહારાષ્ટ્રમાં 10 હજારથી વધુ લાભાર્થીને 100 કરોડથી વધુનું ધિરાણ માત્ર 45 દિનના સમયગાળા દરમ્યાન મંજૂર કરીને અપાયાની વિગતો આપી સામાન્ય અને નાના લોકોને આવરી લેવાયા હોવાની જાણકારી અપાઇ હતી. મુખ્યમંત્રી વિજયભાઇએ બેન્કની કાર્યવાહીની સરાહના કરીને મહત્તમ જરૂરતમંદો સુધી લાભ પહોંચે તેવી લાગણી વ્યક્ત કરી હતી. પ્રારંભે રાજકોટ નાગરિક બેન્કના ચેરમેન નલિનભાઇ વસાએ તેમના પ્રવચનમાં આગામી દિવસોમાં ઝડપભેર વધુ લાભાર્થીઓને ધિરાણ અપાશે તેમ કહયું હતું. તો ગુજરાત અર્બન બેન્ક ફેડરેશનના ચેરમેન જયોતિન્દ્રભાઇ મહેતાએ આત્મનિર્ભર યોજનાની ભૂમિકા મૂકી હતી અને બેન્કે નાના માણસોની મોટી બેન્કની ભૂમિકા નિભાવ્યાની વાત કરી હતી. તેમણે મહત્તમ ધિરાણ માટે અન્ય બેન્કોને આગળ આવવા પણ અપીલ કરી હતી. કચ્છ ભાજપના પૂર્વ અધ્યક્ષ અને બેન્કની ભુજ શાખાના કન્વીનર શ્રી ત્રિવેદી તથા બોર્ડ ડાયરેકટર શ્રી જૈન દ્વારા મુખ્યમંત્રીને જન્મદિન શુભેચ્છા સાથે પુસ્તકની ભેટ આપી હતી. કચ્છમાં ભુજ અને ગાંધીધામ શાખા દ્વારા 500 લાભાર્થીને ધિરાણ અપાયાની વિગતો શ્રી ત્રિવેદીએ આપી હતી. તેમના હસ્તે આજે જેમના ધિરાણ મંજૂર કરાયાં છે તે કચ્છના 64 લાભાર્થીની યાદી અને વિગતો મુખ્યમંત્રીને સુપરત કરાઇ હતી. 

© 2020 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer