નખત્રાણા વિસ્તારમાં પુષ્ય નક્ષત્રના અંતિમ દિવસે અડધો ઈંચ મેઘમહેર

નખત્રાણા વિસ્તારમાં પુષ્ય નક્ષત્રના અંતિમ દિવસે અડધો ઈંચ મેઘમહેર
નખત્રાણા, તા. 2 : વાવણી - પોખના નક્ષત્ર પુષ્યના અંતિમ દિવસ રવિવારે નખત્રાણા, મોટી વિરાણી, સુખપર, દેવીસર, નાની અરલ, દેવસર, ભારાપર વિસ્તારને અડધા ઈંચથી પલાળ્યો હતો, તો શનિવારે ધીણોધર વિસ્તારમાં એકાદ ઈંચ વરસાદ થયો હતો.બે દિવસીથી અસહ્ય બફારા ગરમી બાદ રવિવારે બપોરે ચારેક વાગ્યાની આસપાસ ઝાપટાં પડતાં પાણી વહી નીકળ્યાં હતાં. આ વરસાદ પંદરેક મિનિટ ચાલ્યો હતો.પાસેના મોટી વિરાણી, સુખપર, દેવીસર, વાંઢ વિસ્તારમાં જોરદાર વરસાદી ઝાપટાં પડતાં પાણી વહ્યાં હતાં. આ વરસાદ અડધો ઈંચ જેટલો પડયો હોવાનું મોટી વિરાણીથી અદ્રેમાન સમેજા તથા દેવીસરથી અશ્વિન આઈયાએ કહ્યંy હતું. અરલ, ધીણોધર વિસ્તારમાં એક ઈંચ વરસાદથી વાતાવરણમાં મહદઅંશે ઠંડક પ્રસરી હતી.  પુષ્ય મીઠા નક્ષત્ર 14 દિવસ દરમ્યાન આ વિસ્તારમાં ચારેક વખત વરસાદ વરસ્યો હતો. આજે રાત્રે આશ્લેષા નક્ષત્રનો આરંભ થશે. વીતેલા વરસોમાં આ નક્ષત્રમાં અનેક વરસે અતિવૃષ્ટિના વરસાદથી ડેમ-તળાવો ભરાઈ ગયા હતા.લખપત તાલુકામા ઝાપટું દયાપરથી પ્રતિનિધિના હેવાલ અનુસાર લખપત તાલુકામાં આજે બપોર પછી વરસાદી ઝાપટું પડતાં રામમોલને જીવતદાન મળ્યું છે. તાલુકાના મુખ્ય મથક દયાપર સહિત દોલતપર, વિરાણી, મેઘપર, બીટિયારી, સુભાષપર વિગેરે ગામડાઓમાં પણ વરસાદી ઝાપટું પડતાં પાણી વહી નીકળ્યાં હતાં. સાંજે પણ આકાશ વરસાદી વાદળાઓથી ગોરંભાયેલું હોતાં વધુ વરસાદની ખેડૂતોએ આશા રાખી હતી. માતાના મઢ તેમજ કોટડા મઢ ગામે આજે બપોરના ચાર વાગ્યાની આસપાસ અડધા કલાકમાં અડધા ઈંચ જેટલો વરસાદ પડતાં આ વિસ્તારના ખેડૂતો ખુશ થયા હતા. 

Crime

© 2020 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer