લાયજા રોડ ઉપર આડેધડ ફેંકાતા કચરા થકી માંડવીમાં રોગચાળાનો ભય

લાયજા રોડ ઉપર આડેધડ ફેંકાતા કચરા થકી માંડવીમાં રોગચાળાનો ભય
કાઠડા (તા. માંડવી) તા. 2 : વડાપ્રધાને સ્વચ્છતા પ્રત્યે અભિયાન છેડયું છે. અન્ય દેશોની જેમ આપણો દેશ પણ સ્વચ્છ હોવો જોઈએ, એના માટે દરેક નાગરિકની ફરજ છે કે તે જાગૃત રહે, પરંતુ માંડવીમાં આખા માંડવી શહેરનો કચરો અને ગંદકી લાયજા રોડ ઉપર શીતલા માતાજીના મંદિરની બાજુમાં રસ્તા ઉપર જ ફેંકીને ગંદકી ફેલાય છે ત્યારે માંડવી નગર સેવા સદન હજી જાગૃત ક્યારે થાશે તેવું જાગૃત નાગરિકો કહી રહ્યા છે. માંડવી વિસ્તારનો ડોર-ટુ-ડોર કચરો ભેગો કરાય છે અને માંડવીથી એક-દોઢ કિ.મી. દૂર શીતલા માતાજી મંદિરથી ઉત્તર બાજુ અંદર તરફ ઘનકચરા નિકાલની જગ્યા છે, પરંતુ એ કચરો ત્યાં નહીં પણ રસ્તાની બાજુમાં જ ફેંકીને ચાલતી કરી દેવાય છે. અહીં બે ધાર્મિક સ્થળો આવેલા છે અને રસ્તા ઉપરથી કાયમી અવર-જવર રહે છે, જ્યારે સવાર-સાંજ અહીં અનેક લોકો વોકિંગ માટે નીકળે છે ત્યારે આ કચરો દુર્ગંધ ફેલાવે છે અને મચ્છરના ઉપદ્રવના કારણે રોગચાળો ફેલાય તેવી દહેશત છે. આ બાબતે જાગૃત નાગરિકો રજૂઆત કરી ચૂકયા છે, પરંતુ તંત્ર દ્વારા કોઈ જ તસ્દી લેવાઈ નથી. બીજી તરફ એ જ વિસ્તારમાં ગઢશીશા સ્ટેટ હાઈવે પર થોડેક જ દૂર હડાખુડી (મૃત પશુઓ રાખવાની જગ્યા) આવેલી હતી. જે લોકો તથા સ્વૈચ્છિક સંસ્થા દ્વારા વિરોધ કરાતાં એ હડાખુડી દૂર ખસેડાઈ હતી, પરંતુ પુન: એ જ જગ્યાએ મૃત પશુઓ ફેંકી દેવાય છે, જેથી અહીંથી પસાર થતા રાહદારીઓ દુર્ગંધનો ભોગ બને છે. અહીં મૃત પશુઓ ફેંકી દેવાય છે. જે અહીંથી પસાર થતાં રાહદારીઓને દુર્ગંધનું ભોગ બને છે. અહીં મૃત પશુઓ ફેંકાતા હોવાથી માસ આરોગવા માટે શ્વાનો પણ અસંખ્ય ભેગા થાય છે. જેથી નજીકમાં જ રસ્તો હોવાથી વાહનની હડફેટે આવવાથી કૂતરાનું મરણ થતું જોવા મળે છે, તો ક્યારેક વાહનો અને લોકોને પણ અકસ્માતનો ભોગ બનવું પડે છે, ત્યારે તંત્ર જાગૃત બને અને માંડવીની ગંદકી દૂર કરાવે તેવું લોકો ઈચ્છી રહ્યા છે.  

Crime

© 2020 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer