મહાનગરમાં દિવ્યાંગોની દયનીય હાલત : કોરોના કાળમાં પણ હેતુ ટ્રસ્ટે મદદ કરી

મહાનગરમાં દિવ્યાંગોની દયનીય હાલત : કોરોના કાળમાં પણ હેતુ ટ્રસ્ટે મદદ કરી
મુંબઈ, તા. 2 (અમારા પ્રતિનિધિ તરફથી) : મહાનગરના નાના નોકરિયાતો અને નાનાપાયે છૂટક ચીજવસ્તુ વેચનારાઓ અને અન્ય જરૂરતમંદોને લોકડાઉનના સમયમાં સંસ્થાઓ મદદ કરે છે પણ દિવ્યાંગજનોની શી હાલત છે? એમની કોઈએ પૃચ્છા કરી કે નહિ? લોકલ ટ્રેનમાં ગીત ગાતા દાંતિયા, હેરપીન વેચતા દિવ્યાંગજનો અને પ્રજ્ઞાચક્ષુઓની હાલત બહુ જ ખરાબ છે. લોકલ ટ્રેન બંધ છે. રસ્તા પર ક્યાંય બેસવા મળતું નથી એટલે આવકના દરવાજા સાવ બંધ થઈ ગયા છે. એક ટંક થોડું ઘણું ભોજન મળવાંનાય વાંધા પડી ગયા છે. આવા મહામારીના કાળમાં લોકડાઉનના લીધે સંસ્થાઓ પાસે દાન આવતું નથી એટલે સેવાપ્રવૃત્તિઓ પણ ધીમી પડી છે. પરંતુ હેતુ ચેરિટેબલ ટ્રસ્ટે નાણાંકીય ખેંચની ચિંતા છોડીને બધી જ પ્રવૃત્તિઓ રાબેતા મુજબ ચાલુ રાખી છે. કન્વીનર રીખબ જૈન એકલાએ બધા જ કાર્યોનો બોજ માથે લઈ લીધો છે. અલબત્ત કાર્યકરોનો સહયોગ સારી રીતે મળે છે પણ રીખબ જૈન જે નિષ્ઠા અને અનુકંપા ભાવથી કામ કરે છે એ ખરેખર પ્રેરણાદાયી છે. હેતુના પ્રમુખ વિનયભાઈ છેડા પણ રીખબ જૈનની પીઠ થાબડે છે. હેતુ ચેરિટેબલ ટ્રસ્ટે 36 બાળકો 10 વર્ષથી દત્તક લીધા છે. જે દરેક બાળકના પરિવારને દસ-દસ હજારની રકમ દર વર્ષની જેમ ચૂકવી છે. આ વખતે પ્રોગ્રામ રાખવાને બદલે ખાતામાં જમા કરાવી છે. હેતુ ટ્રસ્ટ અને `સક્ષમ'એ 800 દિવ્યાંગ ભાઈ બહેનોને એક-એક હજાર રૂા. મોકલી આપ્યા છે. માનગાંવની આદિવાસી સ્કૂલમાં 200 ડઝન નોટબૂક આપી છે. શાળાનું રિઝલ્ટ દર વખતે 100 ટકા આવે છે. રીખબ જૈને એક પ્રેરક દૃષ્ટાંત ટાંકતાં જણાવ્યું કે, અલ્પ દૃષ્ટિ ધરાવતા મહેશ કોરાબાને દત્તક લીધો છે. 4 વર્ષથી મદદ કરીએ છીએ. 10માની પરીક્ષા આપી દીધી પણ પછી એને સાવ દેખાતું બંધ થઈ ગયું. એના પિતાએ ફોન કરીને કહ્યું, મહેશ હવે ભણી શકે તેમ નથી. એટલે સ્કોલરશિપની રકમ અમને ન મોકલતાં બીજા જરૂરતમંદને આપશો. આવા મુશ્કેલીના કાળમાં પ્રમાણિકતા દેખાડનાર પ્રત્યે મને બહુમાન થઈ ગયું. મહેશની નાની બહેન ભણે છે એટલે રકમ બીજાને આપવાના બદલે એ બહેનને આપશું. હેતુ તરફથી રાશન કિટ આપી છે. કોરોનાની મહામારીમાં રોડ પર ફરજ બજાવતા પોલીસ અને બીએમસીના સ્ટાફને પીપીઈ કિટ, માસ્ક, હેન્ડગ્લૉઝ, ગોળી આપી હતી. મલાડ પોલીસ સ્ટેશનમાં 50 પીપીઈ કિટ અને એન-95 200 માસ્ક, 200 જોડી હેન્ડ ગ્લૉઝ, બીજા 1500 માસ્ક 4000 વિટામિન ગોળી આપી હતી. બીએમસીમાં 100 પીપીઈ કિટ અને એન-95 માસ્ક 500, 250 હેન્ડ ગ્લૉઝ 2પ0 જોડી, બીજા માસ્ક 2000, વિટામિન ગોળી આપી હતી. રીખબ જૈને કહ્યું કે, દિવ્યાંગજનો અને પ્રજ્ઞાચક્ષુઓને મદદની ઘણી જરૂર છે. તેમનું જીવન બચાવવા આર્થિક સહાય આપવાની તાતી જરૂર છે. 

Crime

© 2020 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer