વરસાદી પાણી નિકાલની કેનાલ આગળ ટેકરો-ખાડો વાહનચાલકો માટે જોખમી

વરસાદી પાણી નિકાલની કેનાલ આગળ ટેકરો-ખાડો વાહનચાલકો માટે જોખમી
ભુજ, તા. 2 : શહેરના બસ સ્ટેશન વિસ્તારમાં વરસાદી પાણી નિકાલની કેનાલની શરૂઆતે જ સિમેન્ટનો ટેકરો અને ખાડાના સમન્વયમાં અનેક ચાલકો વાહનનું સંતુલન ગુમાવી  રહ્યા છે તો અનેક લોકો વાહન સાથે પડી ગયા હોવાના બનાવ પણ બનતા રહે છે.  હજારો વાહનો જ્યાંથી પસાર થાય છે તેવા ભુજના બસ સ્ટેશન વિસ્તારમાં વરસાદી પાણી નિકાલ માટે બનાવાયેલી કેનાલના પ્રારંભે જ સિમેન્ટનો ટેકરા જેવો ભાગ હોવાથી અનેક વાહનચાલકો ભારે પછડાટ ખાઇ સમતુલન ગુમાવવા સાથે માર્ગ પર પડી જવાના બનાવો વારંવાર બનતા રહે છે. વાહનચાલકો જો ટેકરાથી બચવા પ્રયત્ન કરે તો તેને અડીને જ ખાડા જેવો ભાગ આવતો હોવાથી તેમાં ફસડાઇ પડે છે. ઉપરાંત વરસાદ સમયે તો પાણીના ભરાવાના કારણે આ ટેકરો કે ખાડો કોઇને દેખાય જ નહીં જે વધુ જોખમરૂપ બને છે. અત્રે ઉલ્લેખનીય છે કે, આ માર્ગે સતત વાહનોની અવર-જવર રહેતી હોવાથી ક્યારેક ભયંકર અકસ્માત સર્જાશે તેવી ભીતિ જાગૃત નાગરિકો વ્યકત કરી રહ્યા છે.  લાંબા સમયથી આ સમસ્યા હોવા છતાં હજુ સુધી ભુજ સુધરાઇ દ્વારા કોઇ પગલાં નથી ભરાયાં. આ માર્ગ સત્વરે સમથળ કરાય તેવી લોકમાંગ ઊઠી છે. 

Crime

© 2020 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer