કચ્છની અપરાધની તાસીર પડકારરૂપ

નિખિલ પંડયા દ્વારા-  ભુજ, તા. 2 : વિવિધ બાબતોમાં અનોખી ખાસીયત ધરાવતા સરહદી કચ્છ જિલ્લામાં ગુનાખોરી અને તેને પહોંચી વળવાની પોલીસ વ્યવસ્થા પણ અલગ તાસીર અને માવજત ધરાવતી રહી છે. સરહદી ગુનાખોરીથી માંડીને શહેરી અને ઔદ્યોગિક વિકાસની સાથે જોડાયેલા અપરાધોનું વૈવિધ્ય ધરાવતા આ જિલ્લાના ટોચના ત્રણ પોલીસ અધિકારીઓની એક સામટી બદલીએ આ વિસ્તારની સલામતી સાથે સંકળાયેલી વિવિધ એજન્સીઓ અને જાણકારોમાં ચર્ચા છેડી છે. પોલીસની વહીવટી અને કાર્યલક્ષી અસરકારકતા માટે દેશના આ સૌથી મોટા જિલ્લાને પૂર્વ અને પશ્ચિમમાં એમ બે ભાગે વહેંચીને બે અલાયદા પોલીસ વડાઓને કાર્યભાર સોંપાયો છે.  તો બીજી તરફ રાજ્યના ચાર પોલીસ જિલ્લા પૂર્વ અને પશ્ચિમ કચ્છ ઉપરાંત પાટણ અને બનાસકાંઠાને સમાવતી પોલીસની એક વિશિષ્ટ રેન્જ પણ અસ્તિત્વમાં છે. પાકિસ્તાનની સરહદ સાથે ભૌગોલિક રીતે જોડાયેલા રાજ્યના આ ચાર જિલ્લાની પોલીસ રેન્જને નામ પણ બોર્ડર રેન્જ અપાયું છે. આમ કચ્છમાં બે પોલીસ વડા ઉપરાંત બોર્ડર રેન્જના ઇન્સ્પેક્ટર જનરલ દરજ્જાના અધિકારી ફરજ બજાવતા રહ્યા છે. 1996માં રાષ્ટ્રીય સલામતી માટે ભારે મહત્ત્વની આ રેન્જની રચના થઇ ત્યારથી  તેના વડા પદે ડેપ્યુટી ઇન્સ્પેક્ટર જનરલ (ડીઆઇજી) અથવા ઇન્સ્પેક્ટર  જનરલ (આઇજી) રેન્જના અધિકારી નિમાતા રહ્યા છે. કોઇપણ આઇપીએસ અધિકારીની કારકિર્દી માટે કચ્છ જિલ્લાનું પોસ્ટિંગ ભારે મહત્ત્વનું સાબિત થતું રહ્યંy છે.અન્ય જિલ્લા કે મહાનગરના અપરાધોની તુલનાએ સાવ અલગ પ્રકારના પડકારો અને રાષ્ટ્રીય સલામતીની સાથોસાથ આર્થિક ગુનાખોરીની કસોટીભરી ફરજ અધિકારીઓના ઘડતરમાં ખરા અર્થમાં ચાવીરૂપ બની રહેતી હોય છે.આ સંદર્ભમાં શનિવારે રેન્જના વડા અને બે પોલીસ અધીક્ષકોની સાગમટે બદલીના રાજ્ય સરકારના નિર્ણય સામે જાણકારો સ્વાભાવિક રીતે સવાલ ઊભા કરી રહ્યા છે. 1996માં બોર્ડર રેન્જ બની અને 2012માં પૂર્વ કચ્છ પોલીસ જિલ્લો રચાયો તે પછી ત્રણે આઇપીએસ અધિકારીઓની આ રીતે એક સાથે બદલીનો આ પ્રથમ પ્રસંગ છે.તાજેતરના સમયમાં બહુ ગાજેલાં ચરસ પ્રકરણની તપાસ હજી પાટે ચડી છે અને રાજ્યભરમાં ચકચર જગાવનાર ગેરકાયદે શત્રોનો કેસ હજી તાજો છે ત્યારે આ બન્ને પ્રકરણોથી બરાબર વાકેફ અધિકારીઓની સાગમટે બદલી નકારાત્મક અસર ઊભી કરશે એવી છાપ જાણકારો વ્યક્ત કરી રહ્યા છે.કચ્છના સાગરકાંઠે વિવિધ સલામતી એજન્સીઓએ કરોડોના ચરસનો જથ્થો ઝડપવાનું શરૂ કર્યું તે સમયે હકૂમત ક્ષેત્રના ઊભા થયેલા સવાલોના સંજોગોમાં પોલીસ તંત્રે જે રીતે સંકલન અને સમન્વય સાધવામાં સફળતા મેળવી હતી તેની પ્રશંસા કરતા જાણકારો આ પ્રકરણની તપાસ આખરે તો પોલીસે જ કરવાની રહેશે એમાં હવે નવા આવનારા અધિકારીઓ તપાસને પરિણામ તરફ દોરી જશે એવી આશા વ્યક્ત કરીને વર્તુળોએ ઉમેર્યું હતું કે આવનારા ત્રણે અધિકારીઓ પણ આઇપીએસ હોવાથી ગુનાખોરીને નાથવાની પોલીસની કાબેલીયત જળવાઇરહેશે.પશ્ચિમ કચ્છમાં લખપતથી માંડીને પૂર્વમાં રાપર સુધી ફેલાયેલા ખનિજ ચોરીના ઓર્ગેનાઇઝ્ડ ક્રાઇમનું સ્વરૂપ લઇ ચૂકેલા વ્યાપને નાથવા માટે પોલીસે કમર કસી છે. કરોડોની ખનિજ ચોરી હજી પણ પોલીસ તંત્ર માટે પડકારરૂપ બની રહી છે.  સાથોસાથ કંડલા અને મુંદરા બંદરોને સંલગ્ન અલગ પ્રકારના અપરાધો અને તેમાં પણ તાજેતરના સમયમાં બેઝ ઓઇલના ગેરકાયદે કારોબારને નાથવા પોલીસે અલગ પ્રકારની કાબેલીયત પર ધ્યાન કેન્દ્રિત કરવાનું રહેશે. આવનારા સમયમાં કચ્છમાં પોલીસતંત્રની સામેના પડકારોની તાસીર બદલાતી રહેશે તેમ તેમ તેને પહોંચી વળવાના વ્યૂહમાં સતત ફેરફાર કરતા રહેવાનું અનિવાર્ય રહેશે.    

Crime

© 2020 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer