જુણાના પોલીસ પરના હુમલાના કેસમાં છ આરોપીને જામીન પર મુક્ત કરાયા

ભુજ, તા. 2 : તાલુકાના પચ્છમ વિસ્તારના જુણા ગામે ખનિજની ચોરી પકડવા ગયેલી ખાવડા પોલીસની ટુકડી ઉપર જીવલેણ હુમલો થવાના કેસમાં અદાલતે છ આરોપીને જામીન આપતો આદેશ કર્યો હતો. આ પ્રકરણમાં પોલીસ દ્વારા ધરપકડ કરાયેલા તહોમતદારો પૈકીના મલુક જીવણ સમા, અમીન હમીર સમા, અલાના ઉર્ફે અલાદીના મામદ જાકબ સમા, જુમા મામદ જાકબ સમા અને માનસંગ કાસમ સમા અને રાયબ મામદ જાકબ સમાને અત્રેની અધિક સેશન્સ જજની અદાલતે ઓનલાઇન સુનાવણી બાદ જામીન આપતો આદેશ કર્યો હતો. સુનાવણીમાં આરોપીઓ વતી વકીલ તરીકે આર.એસ. ગઢવી રહ્યા હતા. ટ્રકની ઠગાઇના કેસમાં જામીન બીજીબાજુ ભુજના પરિવહનકાર અગ્રણી વેલજીભાઇ ખેંગાર આહીર સાથે ટ્રકોના સોદામાં રૂા. બાર લાખથી વધુની છેતરપિંડી કરવાના કેસમાં પકડાયેલા ત્રણ આરોપી પૈકીના રમજાન જુશબ લોહારને જામીન અપાયા હતા. ભુજના બીજા અધિક સેશન્સ જજે આ આદેશ કર્યો હતો. આરોપીના વકીલ તરીકે વિવેકાસિંહ આર. જાડેજા, ભાવેશ ડી. દરજી, પ્રવીણાસિંહ એમ. જાડેજા અને દીપેન બી. ગજરા રહ્યા હતા.  

Crime

© 2020 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer