ભુજમાં ચાર જણે કુહાડી અને પાઇપ વડે હુમલો કરતાં પિતા-પુત્ર ઘવાયા

ભુજ, તા. 2 : શહેરમાં કુહાડી અને લોખંડના પાઇપ વડે ચાર જણે કરેલા હુમલામાં જાફર જુમા સમા (ઉ.વ. 57) અને તેમના પુત્ર ઇમરાન (ઉ.વ. 23) ઘવાયા હતા, તો તાલુકાના દહીંસરા ગામે પતિ સહિતના સાસરિયા પક્ષના સભ્યોએ કરેલા હુમલામાં 21 વર્ષની વયની સમીના અલ્તાફ જુણેજા જખ્મી બની હતી. પોલીસ દફતરેથી પ્રાપ્ત માહિતી અનુસાર ભુજમાં કેમ્પ વિસ્તારમાં માનસિક રોગની હોસ્પિટલ પાસે ગતરાત્રે બનેલા હુમલાના કિસ્સામાં ઘાયલ થયેલા જાફર સમા અને તેમના પુત્ર ઇમરાનને સારવાર માટે અત્રેની જનરલ હોસ્પિટલમાં ખસેડાયા છે. આ હુમલા બાબતે વસીમ જુણેજા, અસલમ ચાકી, અનસ માંજોઠી અને ઇકબાલ ઓસમાણ માંજોઠીના નામ પોલીસ સમક્ષ પ્રાથમિક કેફિયતમાં લખાવાયા છે. ભોગ બનનારા તેમના ઘરે ગાય દોહી રહ્યા હતા ત્યારે આરોપીઓ આવીને ગાળાગાળી કરવા લાગતાં તેમને આવું કરવા માટે ના પડાતાં આ હુમલો કરાયો હતો, તેમ પોલીસ સમક્ષ લખાવાયું છે. જ્યારે દહીંસરા ગામે ગઇકાલે મોડીસાંજે બનેલી માર મારવાની ઘટનામાં ભોગ બનનારી પરિણીત યુવતી સમીનાને પણ સારવાર માટે અત્રેની જનરલ હોસ્પિટલમાં ખસેડાઇ હતી. સમીનાના પિતાએ પોલીસ સમક્ષ લખાવેલી વિગતો મુજબ સમીનાને તેના પતિ અલ્તાફ ઓસમાણ જુણેજા, સસરા ઓસમાણ જુણેજા, સાસુ કુલસુમબેન અને નણંદ અકસુએ સાથે મળીને માર માર્યો હતો. સાસરિયાઓ દ્વારા અપાતા ત્રાસના ભાગરૂપે આ ઘટના બન્યાનું લખાવાયું છે. માનકૂવા પોલીસે તપાસ હાથ ધરી છે. માતા પર પુત્રનો હુમલો  દરમ્યાન ભુજ તાલુકાના માધાપર ગામે વિજયાબેન નરશીભાઇ આહીર (ઉ.વ.55) ઉપર તેમના પુત્રએ હુમલો કર્યો હોવાનો કિસ્સો બહાર આવ્યો છે. જનરલ હોસ્પિટલ ખસેડાયેલા આ પ્રૌઢ મહિલાએ પોલીસ પાસે એવી વિગત લખાવી છે કે, પુત્રએ પૈસાની માગણી કરતાં અને એ માટે ના પડાતાં આજે સવારે હુમલાની આ ઘટના બની હતી તેમ પોલીસે ઉમેર્યું હતું.  

Crime

© 2020 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer