એક્સટર્નલ અભ્યાસક્રમ બંધ થતાં કચ્છના હજારો છાત્રો શિક્ષણથી વંચિત રહેશે

ભુજ, તા. 2 : અહીંની ક્રાંતિગુરુ પંડિત શ્યામજી કૃષ્ણવર્મા કચ્છ યુનિવર્સિટીમાં એક્સટર્નલ અભ્યાસક્રમ બંધ થતાં હજારો વિદ્યાર્થીઓને શિક્ષણથી વંચિત રહેવાનો વારો આવશે. કચ્છ જિલ્લા કોંગ્રેસ પ્રવક્તા અને પૂર્વ સેનેટ સભ્ય દીપક ડાંગરે લેખિત રજૂઆતમાં પોતાનો કચવાટ વ્યક્ત કરતાં કહ્યું કે, સૌરાષ્ટ્ર યુનિવર્સિટી સહિત રાજ્યની અન્ય યુનિ.માં આ અભ્યાસ શરૂ થઈ શકતો હોય તો કચ્છમાં કેમ નહીં તેવો સવાલ ઉઠાવી સત્તાપક્ષના ચૂંટાયેલા જનપ્રતિનિધિઓ આ બાબતે કોઈ રજૂઆત કરતા ન હોવાનો બળાપો ઠાલવ્યો હતો. અબડાસા પેટા ચૂંટણીની સમીક્ષા કરવા અવારનવાર કચ્છ આવતા શિક્ષણમંત્રી ભૂપેન્દ્રસિંહ ચૂડાસમા આ બાબતે મૌન સેવી રહ્યા હોવાનું કહી હવે શિક્ષણમંત્રી જ્યારે-જ્યારે પણ કચ્છની મુલાકાતે આવશે ત્યારે તેમને પુષ્પગુચ્છ આપી ગાંધીગીરી કરવામાં આવશે. યુજીસીએ માત્ર ગાઈડલાઈન બહાર પાડી છે, પણ નેક સર્ટિફિકેટ ન હોતાં આ અભ્યાસક્રમ શરૂ ન કરી શકાય તેવું કારણ આગળ ધરી જવાબદારીમાંથી હાથ ખંખેરી લેવાની નીતિ યોગ્ય ન હોવાનું આ યાદીમાં જણાવાયું હતું. 

Crime

© 2020 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer