માલ-સામાન માટે ભુજ-મુંબઇ વચ્ચે ટ્રેન સેવા ચાલુ રાખો

માંડવી, તા. 2 : અહીંના મરચન્ટ એસો. દ્વારા કેન્દ્રીય મંત્રી પીયૂષ ગોયલને ભુજથી મુંબઇ માલ-સામાનની હેરફેર માટે ટ્રેન સેવા શરૂ કરવા માગણી કરવામાં આવી હતી. લોકડાઉન દરમ્યાન ભુજથી મુંબઇ વચ્ચે માલ-સામાનની હેરફેર માટે રેલવે તરફથી ગુડસ સ્પેશિયલ ટ્રેન સેવા કાર્યરત હતી પરંતુ કોઇ પણ કારણ વિના આ સેવા બંધ કરી દેવામાં આવી છે. કચ્છનો વધારે પડતો વ્યાવસાયિક વ્યવહાર મુંબઇ સાથે જોડાયેલો છે. જેમ કે કચ્છથી હાલમાં ખારેક, દાડમ, ગરમ મસાલા, ગૃહ ઉદ્યોગની ખાદ્ય સામગ્રી, હેન્ડીક્રાફટ તેમજ અન્ય વસ્તુનો વેપાર તો મુંબઇથી કચ્છ તરફ રેડીમેડ ગારમેન્ટ, શૂટિંગ, કટલેરી, સ્ટેશનરી, મોબાઇલ એસેસરીઝ, પગરખાં, હેલ્થકેર પ્રોડક્ટસ તેમજ વિવિધ વસ્તુઓના વેપાર જોડાયેલા છે.રેલવે દ્વારા માલની હેરફેર હાલના સમયમાં સલામત અને ઝડપી છે, જ્યારે હાલમાં સડક માર્ગે માલની હેરફેરને આઠથી દસ દિવસનો સમય લાગે છે તેમજ મુંબઇના અમુક વિસ્તારમાં તો ટ્રાન્સપોર્ટ સેવા પણ બંધ છે. રેલવે દ્વારા ગુડ્સ સ્પેશિયલ ટ્રેનનો પુન: પ્રારંભ કરવામાં આવે જેથી કચ્છના વેપારીઓને પડતી મુશ્કેલીઓ દૂર થાય અને વ્યાપારને વેગ મળે. ડિવિઝનલ ઓફિસ અમદાવાદ, એરિયા ઓફિસ ગાંધીધામ, સાંસદ વિનોદભાઇ ચાવડા, જનરલ મેનેજર વેસ્ટર્ન રેલવે મુંબઇ સમક્ષ પણ માગણી સંસ્થાએ કરી હતી. 

© 2020 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer