કચ્છના ત્રણેય ટોચના આઈપીએસની બદલી

કચ્છના ત્રણેય ટોચના આઈપીએસની બદલી
ભુજ/અમદાવાદ, તા.1 :કચ્છનાં પોલીસબેડાના ત્રણેય ટોચના અધિકારીઓ સહિત સમગ્ર ગુજરાત રાજ્યના 73 આઈપીએસ અધિકારીઓની બઢતી અને બદલીના હુકમો રાજ્યના ગૃહ વિભાગ તરફથી શનિવારની મોડી રાત્રે કરાયા હતા. કચ્છ બોર્ડર રેન્જના નવા પોલીસ મહાનિરિક્ષક તરીકે જે.આર. મોથાળિયા, પૂર્વ કચ્છ પોલીસ વડા તરીકે મયૂર પાટિલ, પશ્ચિમ કચ્છ પોલીસ વડાતરીકે સૌરભ સિંહ આવ્યા છે. કચ્છના પોલીસ મહાનિરીક્ષક પદે અમદાવાદના ટ્રાફિક વિભાગના સંયુક્ત પોલીસ કમિશનર જે. આર. મોથાળિયાને મુકાયા છે. પશ્ચિમ કચ્છના નવા પોલીસવડા તરીકે જૂનાગઢના પોલીસવડા સૌરભસિંહની બદલી કરાઇ છે, તો પૂર્વ કચ્છના પોલીસવડા તરીકે અરવલ્લીના પોલીસવડા મયૂર પાટિલને સુકાન સોંપાયું છે. કચ્છના પોલીસ મહાનિરીક્ષક તરીકે ફરજ બજાવી ગયેલા સુભાષ ત્રિવેદીની ગુજરાત રાજ્યના સીઆઇડી (ક્રાઇમ અને રેલવે)ના પોલીસ મહાનિરીક્ષક તરીકે ગાંધીનગર બદલી કરાઇ છે. બીજીતરફ પૂર્વ કચ્છ પોલીસવડા તરીકે ફરજ બજાવી ગયેલા પરીક્ષિતા રાઠોડને પશ્ચિમ રેલવે પોલીસવડા તરીકે અમદાવાદ મુકાયા છે. પશ્ચિમ કચ્છ પોલીસવડા તરીકે ફરજ બજાવી ગયેલા સૌરભ તોલંબિયાને સીઆઇડી (ક્રાઇમ)ના પોલીસવડા તરીકે ગાંધીનગર મુકાયા છે.ભુજ ખાતે ઇન્ટેલીજન્સના પોલીસવડા તરીકે ગાંધીનગર સ્ટેટ ટ્રાફિક બ્રાન્ચના પોલીસવડા ભગીરથસિંહ જાડેજાને મુકાયા છે. દરમ્યાન, રાજ્યના આઇ.બી.ના નવા વડા તરીકે અનુપમસિંહ ગેહલોતને સુકાન સોંપાયું છે. તો સંજય શ્રીવાસ્તવને અમદાવાદના પોલીસ કમિશનર બનાવાયા છે. અજય તોમરને સુરતના તો વડોદરાના પોલીસ કમિશનર તરીકે આર. બી. બ્રહ્મભટ્ટને સુકાન સોંપાયું છે. 

© 2021 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer