નાની બન્ની-ધીણોધર પંથકમાં તોફાની વરસાદે લોકોને ડરાવ્યા

નાની બન્ની-ધીણોધર પંથકમાં તોફાની વરસાદે લોકોને ડરાવ્યા
નખત્રાણા, તા. 1 : બકરી ઈદની ઉજવણી વચ્ચે નાની બન્નીના નાની અરલ ગામે મોસમનો સૌથી આક્રમક વરસાદ ગામે જોયો હતો. જો કે રામમોલ અને વાડી વિસ્તારમાં જોશભેર વહી નીકળેલાં પાણીથી મોટો ફાયદો થશે. રવિવારે પુષ્ય (પોખ) નક્ષત્ર પૂર્ણ થશે અને આશ્લેષા (અંધી) નક્ષત્રનો આરંભ થશે. પુષ્ય નક્ષત્ર પૂર્ણ?થાય એ પૂર્વે શનિવારે ધીણોધર છાવરના નાની અરલ, મોટી અરલ, જતાવીરા, દેવીસર સહિતનાં ગામોમાં સાંજે પાંચ વાગ્યે ભારે કડાકા-ભડાકા સાથે આક્રમક વરસાદ તૂટી પડયો હતો. આ વરસાદ એટલો આક્રમક હતો કે લોકો ડરી ગયા હતા અને એકથી દોઢ ઈંચ પાણી જે રીતે વરસી ગયું તેથી ડગાઈ ગયા હતા.  નાની અરલથી મધુભા જાડેજાના જણાવ્યાનુસાર વર્તમાન મોસમનો આકરો વરસાદ આજે પૂરા લાવલશ્કર સાથે તૂટી પડયો હતો. વરસાદ તો થોડી વાર જ હતો, પણ કલાકો સુધી જમીન પરથી પાણી વહ્યાં હતાં. નાની બન્નીના તલ, છારી, ફુલાય, લૈયારી, મોતીચુર, વેડહારમાં પણ અડધોથી પોણો ઈંચ પાણી વરસી જતાં ખુશીની લહેર ફરી વળી હતી. માલધારી અગ્રણી નજરઅલીએ ઈદ સાથેના વરસાદને પયગંબરનો પ્રસાદ ગણાવી ખેતીને ભારે ફાયદો થશે તેવું ઉમેર્યું હતું. દેવીસરના વેપારી ટોકરશીભાઈ આઈયાએ પણ વરસાદના વાવડ આપ્યા હતા. થાન, ગોધિયારમાં ભારે ઝાપટાં વરસ્યાનું યોગી સોમનાથજીએ જણાવ્યું હતું. 

© 2020 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer