નિરોણામાં ચોરી માટે આવેલો ચોર ચંપલ મૂકી નાઠો

નિરોણામાં ચોરી માટે આવેલો ચોર ચંપલ મૂકી નાઠો
નિરોણા (તા. નખત્રાણા), તા. 1 : આ ગામના જૂના આહીરવાસમાં ગત રાત્રિના  ચોરીના ઇરાદે આવેલો હરામખોર મકાન માલિકના હાથમાં આવ્યા બાદ ઝપાઝપીમાં પોતાની ચંપલ અને હાથની આંગળીમાંથી સરી ગયેલી ધાતુની અંગૂઠી છોડી અંધારામાં ભાગી છૂટવામાં સફળ બન્યો હતો.ખેતા બીજલ આહીરનો પરિવાર રાત્રે નિદ્રાધીન હતો તેવામાં મધ્યરાત્રિના  એક-દોઢ વાગ્યાના સમયે કોઇ માણસ ઘર આંગણામાં  પ્રવેશ્યો હતો. ઘરમાં કોઇ અજાણ્યા વ્યકિત ઘૂસે એ પહેલાં ઘર માલિકના પત્ની જાગી બહાર નીકળતાં ઇસમ આંગણામાં  ઉભેલા લીમડાના થડ આડે સંતાઇ ગયો હતો. ઘર માલિકના પત્ની થોડી હિંમત દાખવી લીમડા સામે જતાં સંતાયેલા ઇસમે તેને દોડી ધક્કો દેતાં મહિલાએ પડી રાડારાડ કરતાં તેનો પતિ તાબડતોડ ઘરમાંથી બહાર આવ્યો હતો અને આંગણામાંથી બહાર ભાગવાની કોશિશ કરતાં ઇસમને પકડી પાડી ચોર-ચોરની બૂમો સાથે બંને વચ્ચે થયેલી ભારે ઝપાઝપીમાં શખ્સ જાન છોડાવી અંધારામાં નાસી છૂટયો હતો. દરમ્યાન ઝપાઝપીમાં  મકાન માલિકને મૂઢ માર જેવી ઇજાઓ પણ થઇ?હતી, સાથે આવેલા ઇસમની આંગળીમાં પહેરલી ધાતુની વીંટી મકાન માલિકના હાથમાં આવી ગઇ હતી. આ સમયે રાડારાડથી જાગી ગયેલા અન્ય લોકો પણ દોડી આવ્યા હતા અને ભાગતા ચોરનો પીછો પણ કર્યો હતો, પરંતુ ચોર થોડે દૂર પાર્ક કરેલા પોતાની સાથે લાવેલા દ્વિચક્રી વાહન પર ચડી ભાગી છૂટયો હતો. જતાં-જતાં તેણે ઘર બહાર ઉતારેલી ચંપલ પણ છોડી ગયો હતો. આ બાબતે આજે સવારે આ પરિવારના અગ્રણી અને સમાજના અન્ય લોકો ગામના પોલીસ સ્ટેશનમાં જઇ પીએસઆઇ ડી. એ. ઝાલાને જાણ કરી ગામમાં  લાગેલા સીસી ટીવીના માધ્યમથી નાસી છૂટેલા ઇસમને શોધવા માંગ કરી હતી, પરંતુ ગામના  મોટાભાગના સીસી ટીવી કેમેરા છેલ્લા ઘણા સમયથી બંધ હાલતમાં હોઇ આ સુવિધા ખરા ટાંકણે નિરર્થક બની હતી. 

© 2020 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer