કુકમામાં 10 હજાર વૃક્ષ ઉછેરવાના સંકલ્પ સાથે `િમયાવાકી'' વન બનશે

કુકમામાં 10 હજાર વૃક્ષ ઉછેરવાના સંકલ્પ સાથે `િમયાવાકી'' વન બનશે
ભુજ, તા. 1 : તાલુકાના કુકમા ગામે હવે 10,000 વૃક્ષનું વાવેતર કરાયું છે અને ઉછેરના સંકલ્પ સાથે ભુજ તાલુકાનું આ પ્રથમ ગામ બનશે જે મિયાવાકી પદ્ધતિથી ગાઢ જંગલ પ્રકારના આટલા મોટા પ્રમાણમાં વૃક્ષોનું વાવેતર કરશે. તેમજ એગ્રોસેલ કંપની દ્વારા  મતિયાદેવે 10000 વૃક્ષ આપવામાં આવશે તથા વૃક્ષો ઉછેર કરવા માટે ગટરના પાણીનો ઉપયોગ કરવામાં આવશે તે નોંધનીય બાબત છે કે, મિયાવાકી જંગલ એટલે ખૂબ ગીચ રીતે વાવવામાં આવતા વૃક્ષોનું વન છે. લગભગ બે થી ત્રણ ફૂટના અંતરે આ વૃક્ષો વાવવામાં આવે છે જે જાપાનીઝ વનસ્પતિશાત્રી અકિરા મિયાવાકીના નામ પરથી પડેલી છે.કુકમા ગ્રામ પંચાયતમાં નવીનત્તમ વિચારોને અમલી કરતા મહિલા સરપંચ કંકુબેન વણકરે જણાવ્યું કે, મતિયાદેવ મંદિર પ્રાંગણમાં આ વૃક્ષોનું વાવેતર કરવામાં આવશે. અગ્રણીઓની હાજરીમાં આ વૃક્ષારોપણના શ્રીગણેશ કરી દેવામાં આવ્યા હતા. મતિયાદેવ મંદિરે યોજાયેલા કાર્યક્રમમાં દીપેશભાઈ શ્રોફ, હરિભાઈ હીરાભાઈ જાટિયા, મનોજભાઈ સોલંકી, નરેશભાઈ મહેશ્વરી, અખિલેશ અંતાણી અને વન વિભાગના અધિકારીઓ સહિત અગ્રણીઓ ઉપસ્થિત રહ્યા હતા.આ વનની ખાસિયત એ હશે કે,ગટરનું પાણી શુદ્ધ કરીને તેને કાયમી પાણી આપવામાં આવશે, જે એગ્રોસેલ કંપની દ્વારા સહયોગ અપાયો છે. બીજીબાજુ ગામમાં આવેલા રામકૃષ્ણ ટ્રસ્ટ દ્વારા આ વૃક્ષોનું ફેન્સિંગ નિ:શુલ્ક કરી દેવામાં આવ્યું છે, જેની જાળવણી અને દેખરેખ સાથે ગામના 45 યુવાનો સ્વૈચ્છિક શ્રમદાન આપશે. ગેટના દાતા અલ્પેશભાઈ ભાણજીભાઈ નંજર રહ્યા હતા. દામજીભાઇ મહેશ્વરી અને બુધાભાઈ મહેશ્વરીનો સહયોગ મળ્યો હતો. મનોજભાઈ સોલંકીના સહયોગ દ્વારા આ કાર્યક્રમમાં ઉપસ્થિતિ સૌને કોરોના સામે રક્ષણાત્મક ઉકાળો પીવડાવવામાં આવ્યો હતો. માસ્ક અને સોશિયલ ડિસ્ટન્સનું ખાસ ધ્યાન રાખવામાં આવ્યું હતું. આ વનના નિર્માણમાં સહયોગ વનસમિતિ પણ બનાવાઈ છે, જે આ કાર્યની દેખરેખ રાખશે. આ મુદ્દે છ-સાત બેઠક યોજાઈ હતી. બાદમાં આ નિર્માણકાર્ય આદરાયું છે. આ વનનિર્માણમાં આસપાસના ઉદ્યોગ એગ્રોસેલ, બીકેટી, પારલે, રામકૃષ્ણ ટ્રસ્ટ અને આશાપુરા ફાર્મ સહિતના સહયોગી બન્યા હતા. આ તકે સરપંચ કંકુબેને સૌનો આભાર વ્યક્ત કર્યો હતો. પંચાયત સદસ્યગણ, તલાટી નરેન્દ્રભાઇ ચાંસિયા, આંગણવાડી બહેનો, આશા  વર્કર બહેનો, વડીલ મહિલાઓ અને ગ્રામજનો સહભાગી બન્યા હતા.  

© 2020 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer