લિપુલેખમાં ચીની સેના તૈનાત

નવી દિલ્હી, તા. 1 : ભારત સામે નિવેદનબાજી વચ્ચે નેપાળની પાડોશી ચીન સાથે મળીને કરવામાં આવી રહેલી ચાલબાજી સામે આવી રહી છે. જાણવા મળ્યા મુજબ નેપાળે જ્યાં ભારત સાથે વિવાદ ઊભો કર્યો છે તે લિપુલેખ ખાતે ચીનની સેનાની ગતિવિધિઓ વધી રહી છે.મળતી માહિતી મુજબ લદ્દાખમાં ચીન ભલે સૈનિકોને પાછળ હટાવવાની વાત કરી રહ્યું હોય, તેણે લિપુલેખ વિસ્તારમાં વાસ્તવિક નિયંત્રણ રેખા (એલએસી)ની પાર પોતાના એક હજાર સૈનિક તૈનાત કરી દીધા છે. લિપુલેખ વિસ્તાર ભારત, નેપાળ અને ચીનની સરહદના ત્રિભેટે આવેલો છે જે છેલ્લા કેટલાક સમયથી ભારે ચર્ચામાં છે.અહેવાલો અનુસાર ચીન હવે લદ્દાખ બાદ લિપુલેખમાં પોતાની સેના વધારે છે. તેણે અહીં સૈનિકોની એક બટાલિયન એટલે કે આશરે એક હજારથી વધુ સૈનિક તૈનાત કરી દીધા છે. જોકે ભારતે પણ તેટલા જ સૈનિક આ વિસ્તારમા તૈનાત કરેલા છે. ભારત અને ચીન વચ્ચે આશરે ત્રણ મહિનાથી લદ્દાખમાં તણાવ ચાલી રહ્યો છે. આશરે 45 વર્ષ બાદ ત્યાં ગત 15 જૂનના ભારે હિંસા થઈ હતી જેમાં ભારતના 20 જવાન શહીદ થયા હતા તો ચીનના પણ 40 જવાન માર્યા ગયાના અહેવાલ હતા. હવે જ્યારે લદ્દાખમાં બંને દેશની સેના ધીરે ધીરે પાછળ હટી રહી છે ત્યાં  ચીને લિપુલેખમાં પોતાની ઉપસ્થિતિ વધારી છે. ઉલ્લેખનીય છે કે લિપુલેખ એ જ વિસ્તાર છે જ્યાંથી ભારતે માનસરોવર યાત્રા માટે નવો રૂટ બનાવ્યો છે. થોડા દિવસ પહેલાં જ નેપાળે અહીં ભારત દ્વારા બનાવાયેલા 80 કિલોમીટર માર્ગનો વિરોધ કર્યો ત્યારે આ વિસ્તાર ચર્ચામાં આવ્યો હતો. તે પછી નેપાળે કાલાપાની સાથે જ લિપુલેખને પોતાનો વિસ્તાર ગણાવતો વિવાદિત નકશો જારી કરતાં બંને દેશના સંબંધ તંગ બન્યા હતા. 

© 2020 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer