ગુજરાતીઓએ વધુ વીજબિલ ભરવું પડશે !

અમદાવાદ, તા. 1 (અમારા પ્રતિનિધિ તરફથી) : ગુજરાત સ્ટેટ ઇલેક્ટ્રિસિટી કોર્પોરેશન પાવર પરચેઝ એગ્રીમેન્ટ હેઠળ 5000 મિલિયન યુનિટ ઓછી વીજળી ખરીદી તેને પરિણામે ઊર્જા ખરીદીની કિંમતમાં વધારો થઈ જતાં ગુજરાત ઉર્જા વિકાસ નિગમ લિમિટેડની ચાર વીજ વિતરણ કંપનીઓના 1.30 કરોડ વીજ જોડાણધારકોએ જુલાઈ-સપ્ટેમ્બરના ત્રિમાસિક ગાળાના કોરોનાકાળના બિલમાં વીજ વપરાશના ચાર્જમાં યુનિટદીઠ 12 પૈસા વધુ ચૂકવવા પડશે. પરિણામે ગુજરાતના તમામ વીજજોડાણધારકો પર ત્રણ મહિનામાં વીજાબિલમાં રૂા. 213 કરોડનો વધારાનો બોજ આવશે.  વીજ સેક્ટરના નિષ્ણાતોનું કહેવું છે કે ગયા નાણાંકીય વર્ષ દરમિયાન એપ્રિલ-મે-જૂનમાં વીજ કંપનીએ 26520 મિલિયન વીજ યુનિટની ખરીદી કરી હતી. તેની સામે એપ્રિલ-મે-જૂન 2020માં તેમણે 21348 મિલિયન યુનિટ વીજળીની ખરીદી કરી હતી. લૉકડાઉનને કારણે ઔદ્યોગિક વીજ વપરાશ ઓછો થઈ જતાં તેમણે આ ખરીદી કરી હતી. પરિણામે ફ્યુઅલ પ્રાઈસ એન્ડ પાવર પરચેઝ એગ્રીમેન્ટ હેઠળ વીજળી ખરીદવાની ફોર્મ્યુલા હેઠળ તેમણે કરેલા ખર્ચમાં યુનિટદીઠ 12 પૈસાનો વધારો આવ્યો હતો. આ સાથે જ એક યુનિટ વીજળી પર એફપીપીપીએની ફોર્મ્યુલા મુજબ રૂા. 2 વસૂલવાના થાય છે.અત્યાર સુધી યુનિટદીઠ આ ફોર્મ્યુલા હેઠળ રૂા.1.90ની વસૂલી કરવામાં આવતી હતી. જીયુવીએનએલની વીજાવિતરણ કંપનીઓ તેમની પોતાની રીતે યુનિટદીઠ 10 પૈસા વધારે બિલમાં વસૂલવાની કાયદેસર સત્તા ધરાવે છે. બાકીને યુનિટદીઠ 2 પૈસા વસૂલવા માટે તેણે જર્ક-વીજ નિયમન પંચ પાસે મંજૂરી લેવી પડે છે. તેથી આ બે પૈસા મંજૂરી મળ્યા બાદ ઓક્ટોબર-નવેમ્બર-ડિસેમ્બરના ત્રિમાસિક ગાળાના બિલમાં વસૂલશે. માર્ચની 25મી પછી લૉકડાઉન આવી જતાં ઔદ્યોગિક એકમોનો વીજવપરાશ મંદ અને બંધ પડી જતાં ઓછી વીજળીની ખરીદી થઈ હોવાનું માનવામાં આવે છે. તેથી પાવર પરચેઝ કોસ્ટ યુનિટદીઠ રૂા.4.56થી વધીને રૂા.4.66 થઈ ગઈ છે. વીજ ખરીદીની કિંમત ઊંચી જવાનું બીજું પણ એક કારણ છે. ગુજરાત સ્ટેટ ઇલેક્ટ્રિસિટી કોર્પોરેશનના પોતાના પ્લાન્ટ 20 ટકા ક્ષમતાઓ ચાલતા હોવાથી બહારની કંપનીઓ પાસેથી વીજળીની ખરીદી વધુ કરવી પડી છે. 

© 2020 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer