બિહાર પોલીસને રિયા ચક્રવર્તીની તલાશ

પટણા, તા. 1 : અભિનેતા સુશાંતસિંહ રાજપૂત મૃત્યુકેસમાં તેની મિત્ર રિયા ચક્રવર્તી ફસાતી નજરે પડી રહી છે. તે પોલીસથી બચવાના પ્રયાસો કરી રહી હોવાથી બિહાર પોલીસ તેના વિરુદ્ધ લૂકઆઉટ નોટિસ જારી કરવા વિચાર કરી રહી છે.  બિહાર પોલીસે દાવો કર્યો હતો કે રિયા લાપતા બની છે. દરમ્યાન બિહારની નીતીશકુમાર સરકારે જણાવ્યું હતું કે જો સુશાંતના પિતા સીબીઆઈ તપાસની માંગ કરશે તો તે દિશામાં આગળ વધવામાં આવશે. દરમ્યાન, બિહાર પોલીસે અત્યાર સુધી 40 લોકોનાં નિવેદન નોંધ્યાં છે.સૂત્રોના જણાવ્યા અનુસાર બિહાર પોલીસને રિયા વિરુદ્ધ કેટલાક મહત્ત્વના પુરાવા મળ્યા હોવાથી રિયાની પૂછતાછ જરૂરી બની છે, બીજીતરફ રિયા સાથે પોલીસનો સંપર્ક થઈ શકતો ન હોવાથી તેના વિરુદ્ધ લૂકઆઉટ નોટિસ જારી કરવા પર વિચાર કરવામાં આવી રહ્યો છે.દરમ્યાન, નીતીશ સરકારે સુશાંત મામલામાં સીબીઆઈ તપાસની તૈયારી દર્શાવી છે. સરકારમાં મંત્રી અને નીતીશના વિશ્વાસુ સંજયકુમારે જણાવ્યું હતું કે જો સુશાંતના પરિવારમાંથી સીબીઆઈ તપાસની માંગ કરવામાં આવશે તો અમે ચોક્કસ તે દિશામાં આગળ વધીશું. વરિષ્ઠ જનતા દળ (યુ)ના નેતાએ મુંબઈ પોલીસ પર અભિનેતાના મોતના મામલામાં યોગ્ય તપાસ ન કરવાનો પણ આરોપ લગાવ્યો હતો.દરમ્યાન, મહારાષ્ટ્રના મુખ્યમંત્રી ઉદ્ધવ ઠાકરેએ મુંબઈ પોલીસની ક્ષમતા સામે સવાલો ઉઠાવનારાઓ પર પ્રહારો કરતાં કહ્યું હતું કે મુંબઈ પોલીસ યોગ્ય રીતે સુશાંત કેસની તપાસ કરી રહી છે. ઉલ્લેખનીય છે કે છેલ્લા થોડા દિવસથી બિહાર પોલીસે સુશાંત મામલામાં તપાસમાં ઘણી ઝડપ બતાવી છે. બિહાર પોલીસે તપાસનો દોર હાથમાં લીધો ત્યારથી અત્યાર સુધીમાં 40 લોકોના નિવેદન દર્જ કરી લેવામાં આવ્યાં છે. બીજી તરફ, કુપર હોસ્પિટલે બિહાર પોલીસને સુશાંતનો ઓટોપ્સી રિપોર્ટ આપવાનો ઈન્કાર કર્યો હતો એટલું જ નહીં, બિહાર પોલીસની ટીમને ડોક્ટરોને મળવા પણ દેવાયા ન હતા એમ એક અહેવાલમાં જણાવવામાં આવ્યું હતું. 

© 2020 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer