કોરોનાની દાયકાઓ સુધી રહેશે અસર

જીનિવા, તા. 1 : વિશ્વ આરોગ્ય સંસ્થાએ તેની ઈમરજન્સી સમિતિની બેઠકમાં એક વાર ફરી સ્પષ્ટ કર્યું છે કે, કોરોના વાયરસથી ત્વરિત છુટકારો નહીં મળે. ડબલ્યુએચઓના વડા ટેડ્રોસ અધાનોમ ગ્રેબ્રેસિયસે કહ્યું કે, આવી મહામારી સદીઓમાં એક વાર આવે છે અને તેનો પ્રભાવ આવનારા દાયકા સુધી અનુભવાશે. સંગઠનના પ્રમુખે જણાવ્યું કે, `અનેક દેશ જે એવું માનતા હતા કે તેમણે કોરોનાને પાછળ છોડી દીધો છે, તેઓ હવે નવા કેસ સામે ઝઝુમી રહ્યા છે. કેટલાક એવા દેશો જે શરૂઆતમાં વાયરસથી ઓછા પ્રભાવિત થયા હતા ત્યાં હવે ચિંતાજનક સ્થિતિ છે.' તેમણે આગળ જણાવ્યું કે, વેક્સિન માટે ઝડપથી કામ ચાલી રહ્યું છે, પરંતુ હવે આપણે વાયરસ સાથે જીવતા શીખવું પડશે અને આપણા પાસે જેટલું પણ છે તેના વડે તેનો સામનો કરવો પડશે.ટેડ્રોસે જણાવ્યું કે, `અનેક વૈજ્ઞાનિક પ્રશ્નોને ઉકેલી દેવામાં આવ્યા છે અને અનેકના જવાબ અપાઈ રહ્યા છે. સીરોલોજી અધ્યયનના પ્રાથમિક પરિણામો એક સુસંગત તસવીર રજૂ કરી રહ્યાં છે. દુનિયાના મોટા ભાગના લોકો આ વાયરસ પ્રત્યે સંવેદનશીલ છે. આ પ્રકારની મહામારી સદીઓમાં એક વખત આવે છે અને તેનો પ્રભાવ આપણને આગામી દશકાઓ સુધી અનુભવાશે.' કોરોના વાયરસને વૈશ્વિક સ્વાસ્થ્ય કટોકટી ઘોષિત કર્યા બાદ વિશ્વ સ્વાસ્થ્ય સંગઠનની આ ચોથી બેઠક હતી.ઉલ્લેખનીય છે કે ચીનના વુહાન ખાતેથી પ્રસરેલા આ વાયરસે સમગ્ર વિશ્વમાં કહેર વર્તાવ્યો છે. સ્વાસ્થ્ય સંકટની સાથે જ મોટા ભાગના દેશોનું અર્થતંત્ર પાટા પરથી નીચે ઉતરી ગયું છે. યુરોપમાં જીડીપીમાં 12.1 ટકા અને યુનિયન બ્લોકમાં 11.9 ટકાનો ઘટાડો જોવા મળ્યો છે. કોરોનાના કારણે અત્યાર સુધીમાં 17 મિલિયનથી પણ વધુ લોકો સંક્રમિત થયા છે જ્યારે 6,75,000 જેટલા લોકોના મોત થયાં છે. 

© 2020 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer