માંડવીમાં બંધ થયેલી મહિલા પોસ્ટ ઓફિસ ચાલુ કરવા ચેમ્બરની રજૂઆત

માંડવી, તા. 1 : 50 હજારની વસ્તીએ પહોંચી રહેલા માંડવીને મહિલા પોસ્ટ ઓફિસ મળે તે માટે માંડવી ચેમ્બર ઓફ કોમર્સ દ્વારા ગુજરાત તથા કચ્છના અધિકારીઓ તથા પ્રજાના ચૂંટાયેલા પ્રતિનિધિઓનું ધ્યાન દોરી વિનંતી સાથે જરૂરિયાત તથા મહિલાઓના હકની જાણકારી આપી હતી.આ અંગે માંડવી ચેમ્બર પ્રમુખ વાડીલાલ દોશી, મંત્રી નરેન્દ્ર સુરુ, સભ્યો ભાવિન શાહ, ચિંતન મહેતા, જૈમિન દોશી, રાજ્યના વડા ચીફ પોસ્ટ માસ્ટર જનરલ, અમદાવાદ સુપ્રિન્ટેન્ડેન્ટ, પોસ્ટ માસ્તર ભુજ, સાંસદ વિનોદભાઈ ચાવડા તથા માંડવીના ધારાસભ્ય વીરેન્દ્રસિંહ જાડેજાએ વિનંતી સાથે ધ્યાન દોરતાં જણાવ્યું કે માંડવીને મહિલા પોસ્ટ ઓફિસ સ્વતંત્ર હવાલો મળે તે માટે આપ બધા યોગ્ય પગલાં ભરીને અપાવો. અગાઉ વર્ષોથી માંડવીમાં મહિલા પોસ્ટ ઓફિસ હતી જેને કોઈ પણ જાતની લોકોને જાણ કર્યા વિના બંધ કરી દેવાઈ જે મહિલાઓનો અધિકાર છીનવાઈ ગયો. ઉપપ્રમુખ પારસભાઈ શાહ તથા ખજાનચી ચંદ્રસેન કોટકે જણાવ્યું કે સંસદ કે વિધાનસભા, જિલ્લા-તાલુકા પંચાયત, નગરપાલિકા, ગ્રામ પંચાયતમાં પણ તેમના માટે બેઠકો રિઝર્વ હોય છે. રેલવેમાં પણ ભાડાંમાં તેમને 50 ટકા રાહત મળે છે. તો પોસ્ટ ઓફિસમાં શા માટે અન્યાય? દુ:ખની વાત તો ત્યાં છે કે માંડવીની 15 જેટલી મહિલાઓ નાની બચતની એજન્સી દ્વારા વાર્ષિક 4 કરોડથી વધારે રકમ જમા કરાવે છે જે સરકાર વિકાસના કામોમાં વાપરે છે જે માટે મહિલાઓને માટે પોસ્ટ ઓફિસ ખોલી ત્યાં જ નાણાંનું ચલણ જમા લેવાય તો ખૂબ જ ઉપયોગી થશે વધારામાં વિધવા સહાય તથા મોટી ઉમરની મહિલાઓને હાલની પોસ્ટ ઓફિસે પહોંચતાં રૂા. 60નું રિક્ષા ભાડું ખર્ચવું પડે છે, તે બે કિ.મી. સુધી બચશે. 

© 2020 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer