શ્રીલંકા પ્રીમિયર લીગમાં રમતો જોવા મળી શકે છે ઈરફાન પઠાણ

નવી દિલ્હી, તા. 1 : ભારતનો પૂર્વ ઓલરાઉન્ડર ઈરફાન પઠાણ શરૂઆતી લંકા પ્રીમિયર લીગ (એલપીએલ)માં સ્ટાર ખેલાડીઓમાંથી એક બની શકે છે. કારણ કે તે 70 વિદેશી ખેલાડીઓમાં સામેલ છે. જેઓએ 28 ઓગષ્ટથી શરૂ થનારી ટૂર્નામેન્ટમાં ભાગ લેવામાં દિલચસ્પી વ્યક્ત કરી છે.એક અહેવાલ પ્રમાણે જ્યાં સુધી પાંચમાંથી એક ફ્રેન્ચાઈઝી માર્કી ખેલાડીના રૂપમાં પસંદગી ન કરે ત્યાં સુધી પઠાણને પ્લેયર ડ્રાફ્ટમાં રાખવામાં આવશે. ડ્રાફ્ટ અને ફ્રેન્ચાઈઝી માલિકોની જાણકારીની ઘોષણા અંતિમ રૂપ અપાયા બાદ કરવામાં આવશે. શ્રીલંકા ક્રિકેટ સરકારથી અમુક મંજૂરીઓની પણ રાહ જોઈ રહ્યું છે. ત્યારબાદ ફ્રેન્ચાઈઝી માલિકો અંગે નિર્ણય થશે. પાંચ ફ્રેન્ચાઈઝી કોલંબો, કેન્ડી, ગોલ, દામ્બુલા અને જાફનાનું પ્રતિનિધિત્વ કરશે. રિપોર્ટ અનુસાર ભારતીય ક્રિકેટ બોર્ડ સક્રિય ભારતીય ખેલાડીઓને વિદેશી ટી20 લીગમાં ભાગ લેવાની અનુમતિ આપતું નથી પણ પઠાણ અગાઉ જ સન્યાસ લઈ ચૂક્યો હોવાથી તેને મંજૂરી આપવામાં આવી હતી. શ્રીલંકાના ઓલરાઉન્ડર ફરવેઝ મહારુફે ચાલુ વર્ષે જાન્યુઆરી મહિનામાં સન્યાસની ઘોષણા કરનારા પઠાણનું નામ ડ્રાફ્ટમાં સામેલ કરવાની ભલામણ કરી હતી.   

© 2020 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer