ફરાદીમાં બાવળની ઝાડી વચ્ચે છુપાવી રખાયેલો 33 હજારનો દારૂ પકડાયો

કોડાય (તા. માંડવી), તા. 1 : તાલુકાના ફરાદી ગામે બાતમીના આધારે સ્થાનિક માંડવી પોલીસે દરોડો પાડીને રૂા. 33,600ની કિંમતના ભારતીય બનાવટના અંગ્રેજી પ્રકારના શરાબ સાથે ગામના ધર્મેન્દ્રાસિંહ પ્રભાતાસિંહ જાડેજાને ઝડપી પડાયો હતો. આ દરોડા સમયે દારૂનો જથ્થો પૂરો પાડનાર સહઆરોપી ફરાદી ગામનો પ્રહલાદાસિંહ ખાનુભા જાડેજા હાથમાં આવ્યો ન હતો. સત્તાવાર સાધનોએ આપેલી માહિતી મુજબ માંડવી પોલીસ મથકની ટુકડીએ પેટ્રોલિંગ દરમ્યાન હેડ કોન્સ્ટેબલ વાલાભા ગોયલને મળેલી બાતમીના આધારે ગઇકાલે મોડીસાંજે આ દરોડો પાડયો હતો. જેમાં ફરાદી ગામે આશાપુરા માતાજીના મંદિર પાસે બાવળની ઝાડીઓ વચ્ચે છુપાવી રખાયેલી શરાબની 96 બાટલી કબજે કરાઇ હતી.  આ પ્રકરણમાં રૂા. 33,600ના દારૂ સાથે આરોપી ધર્મેન્દ્રાસિંહ જાડેજાની ધરપકડ કરાઇ હતી. આ શખ્સને આ જથ્થો પૂરો પાડનારો ગામનો પ્રહલાદાસિંહ જાડેજા દરોડા સમયે હાજર ન હોવાથી હાથમાં આવ્યો ન હતો. પોલીસે આ બન્ને સામે ગુનો દાખલ કરીને આગળની છાનબીન હાથ ધરી છે. દરોડાની કાર્યવાહીમાં ઇન્સ્પેકટર બી.એમ. ચૌધરી સાથે સ્ટાફના દિનેશ ભટ્ટી, વાલાભા ગોયલ વગેરે જોડાયા હતા.  

© 2020 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer