કોરોના કાબૂમાં આવે તો વર્ષારંભે રણોત્સવ

કોરોના કાબૂમાં આવે તો વર્ષારંભે રણોત્સવ
નિરોણા (તા. નખત્રાણા), તા. 31 : કચ્છમાં એક જ સ્થળે એકસામટી પાંચ જેટલી વિશ્વવિખ્યાત હસ્તકલાના સંગમ સ્થળ અને કલાની પંચતીર્થી ગણાતા પાવરપટ્ટીના નિરોણા ખાતે ગુજરાત રાજ્ય પ્રવાસન નિગમ દ્વારા રૂા. 4.33 કરોડના ખર્ચે નિર્માણ થનારી હસ્તકલા બજારનું ખાતમુહૂર્ત કરતા રાજ્યના પ્રવાસન અને મત્સ્યોદ્યોગ મંત્રી જવાહરભાઇ ચાવડાએ જણાવ્યું હતું કે, કોરોનાની મહામારી કાબૂમાં આવે તો આવતા જાન્યુઆરી-ફેબ્રુઆરીમાં કચ્છનો જાણીતો રણોત્સવ શક્ય બની શકે છે. ગામના પાદરમાં પંચાયત હસ્તકની જમીનમાં ક્રાફ્ટ બજાર સાથે ભુજ તાલુકાના મિરજાપર પાસે પ્રવાસન નિગમ દ્વારા જ ઊભા થનારા પ્રવાસી સુવિધા કેન્દ્રના ભૂમિપૂજનની તકતીનું અનાવરણ પણ મંત્રીના હસ્તે કરવામાં આવ્યું હતું. અહીં નિર્માણ થનારી હસ્તકલા બજારમાં એક જ સ્થળે ગામની રોગાન કલા, લાખ કલા, ખરકી કલા, ચર્મ કલા અને વણાટ કલાનું પ્રવાસીઓ નિદર્શન કરી શકશે. સાથે કલા બજારમાં ખરીદી અને કારીગરોની જીવનશૈલીથી વાકેફ થઇ?શકશે. અહીંના કારીગરો માટે મહત્ત્વાકાંક્ષી આ પ્રકલ્પમાં પ્રવેશદ્વાર, હાટ બજાર, ગેસ્ટહાઉસ, શૌચાલય, પાર્કિંગ, સ્ટેજ, માહિતી કક્ષ, સિક્યુરિટી કેબિન સહિતની સગવડો 3 એકરના વિસ્તારમાં ઊભી કરવામાં આવશે, જેની જાળવણી અને નિભાવણી જિલ્લાના વહીવટી તંત્ર દ્વારા કરવામાં આવશે. અન્ય જિલ્લાની તુલનાએ પ્રવાસન ક્ષેત્રે કચ્છ જિલ્લો ભારે વૈવિધ્ય ધરાવે છે અને એટલે જ દર વર્ષે અહીં હજારોની સંખ્યામાં દેશી-વિદેશી પર્યટકો ઊમટી રાતવાસો કરે છે. ભુજથી માંડવી બીચ તરફ જવાના રસ્તામાં મિરજાપર ખાતે ગુજરાત પ્રવાસન નિગમની માલિકીની જગ્યામાં પ્રવાસીઓને રાત્રિરોકાણ, રહેવા-જમવાની વ્યવસ્થા, શૌચાલય, પાર્કિંગ, બગીચા જેવી પ્રાથમિક સવલતો મળી રહે તે માટે રૂા. 2.84 કરોડના ખર્ચે પ્રવાસી સુવિધા કેન્દ્રના થયેલાં આયોજનના ખાતમુહૂર્તની તક્તીનું અનાવરણ પણ અહીં કરવામાં આવ્યું હતું. આ સુવિધા કેન્દ્રમાં એ.સી., નોન એ.સી. ડાઇનિંગ હોલ, રોડ અને પાર્કિંગ, સ્ટાફ ક્વાર્ટર, ટોયલેટ?ફેસિલિટી, ચિલ્ડ્રન પ્લે એરિયા, કિચન ગાર્ડન, સુવિધાસભર કચ્છી ભૂંગા સહિતની સવલતો ઊભી કરવામાં આવશે. કોરોના વાયરસની મહામારી વચ્ચે અહીં યોજાયેલા ભૂમિપૂજનના કાર્યક્રમમાં લોકડાઉનના નિયમોનું ચુસ્તપણે પાલન જોવા મળ્યું હતું. કાર્યક્રમ પણ ખૂબ જ ટૂંકા સમયમાં પૂરો કરવામાં આવ્યો હતો.મહેમાનોને પણ મર્યાદિત સંખ્યામાં આમંત્રિત કરાયા હતા. ભૂમિપૂજનના કાર્યક્રમ બાદ અહીંની રોગાન કલાના કસબી રિઝવાન ખત્રી, ખરકી કલાના સાલેમામદ લુહાર, ચર્મ કલાના દેવજીભાઇ નિંજાર તેમજ વણાટ કલાના વિનોદભાઇ નિંજારે પોતાની પરંપરાગત કલાઓનું નિદર્શન કરી બતાવ્યું હતું. આદર્શ અને સમરસ ગામના મહિલા સરપંચ લક્ષ્મીબેન ભાનુશાલીએ મંત્રીઓ અને મહેમાનોનું સન્માન કર્યું હતું. આ પ્રસંગે રાજ્યમંત્રી વાસણભાઇ આહીર, સાંસદ વિનોદભાઇ?ચાવડા, જિલ્લા ભાજપાના અધ્યક્ષ અને પૂર્વ પ્રવાસન વિભાગના ડાયરેક્ટર કેશુભાઇ પટેલ, અબડાસાના પૂર્વ ધારાસભ્ય પ્રદ્યુમનસિંહ જાડેજા, કલેક્ટર ડી.કે. પ્રવીણા, પ્રવાસન નિગમના જોઇન્ટ મેનેજિંગ ડાયરેક્ટર જી. પી. બ્રહ્મભટ્ટ, નખત્રાણા પ્રાંત અધિકારી પ્રવીણસિંહ જેતાવત, નખત્રાણા તા.પં. પ્રમુખ?નયનાબેન પટેલ તથા ગામના મહિલા સરપંચ લક્ષ્મીબેન ભાનુશાલી, જિલ્લા પંચાયત સા. ન્યાય સમિતિના ચેરમેન વસંતભાઇ વાઘેલા સહિત અગ્રણીઓ મંચસ્થ રહ્યા હતા. તાલુકા ભાજપ અગ્રણી દિલીપભાઇ નરસીંગાણી, હરિસિંહ રાઠોડ, રણજિતસિંહ જાડેજા, કાનજીભાઇ કાપડી સહિતના અગ્રણીઓ ઉપસ્થિત રહ્યા હતા. કાર્યક્રમને સફળ બનાવવા પ્રવાસન નિગમના સ્ટાફે જહેમત ઉઠાવી હતી. સંચાલન ખેતશી ગજરાએ કર્યું હતું. 

© 2020 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer