માત્ર બે ઇંચ વરસાદ થકી જિલ્લા પંચાયત સંકુલ બન્યું પાણી-પાણી

ભુજ, તા. 10 : શુક્રવારે શહેર પર મેઘરાજાએ મહેર કરતાં બેથી અઢી ઇંચ જેટલું પાણી વરસ્યું હતું પરંતુ આટલા જ વરસાદમાં અહીંના જિલ્લા પંચાયત સંકુલમાં બેથી ત્રણ ફૂટ પાણી ભરાયા હતા. જેના કારણે સ્ટાફ કવાર્ટર્સમાં પણ પાણી ઘૂસ્યા હતા અને કર્મચારીઓ-રહેવાસીઓ મુશ્કેલીમાં મુકાયા હતા.જિલ્લા પંચાયત સંકુલમાં કર્મચારીઓમાંથી ઊઠેલા ગણગણાટ મુજબ સંભવત: પ્રથમ વખત માત્ર બે ઇંચ વરસાદમાં પાણી ભરાવાનું મુખ્ય કારણ તાજેતરમાં પથિકાશ્રમ પાસે બનાવાયેલો ગેટ હોવાનું જાણવા મળ્યું હતું. અગાઉ આ ગેટમાંથી સંકુલનું તમામ પાણી નીકળી જતું હતું પરંતુ પથિકાશ્રમ બન્યા બાદ બાંધકામ શાખાના અમુક કર્મચારીઓ દ્વારા કેબિન રાખવા માટે કરી અપાયેલી દીવાલરૂપી સગવડ કર્મચારીઓ-રહેવાસીઓ માટે મુશ્કેલીરૂપ સાબિત થઇ હતી. જો કે, આ અગાઉ કચ્છમિત્રમાં ગેરકાયદે રખાયેલી કેબિનના છપાયેલા હેવાલોને પગલે તે હટાવી દેવામાં આવી હતી, પરંતુ હજુ સુધી દીવાલ તોડવામા આવી નથી.દરમ્યાન બેથી ત્રણ ફૂટ જેટલું પાણી ભરાતાં આખરે જેસીબી દ્વારા આ દીવાલમાં બાકોરું પાડી પાણીનો નિકાલ કરાયો હતો.આ અંગે પ્રમુખ લક્ષ્મણસિંહ સોઢાનો સંપર્ક સાધતાં તેમણે જણાવ્યું હતું કે, દીવાલ બાબતે આવેલી ફરિયાદ બાદ તે હટાવવા ડીડીઓ સાથે વાત થઇ હોવાનું જણાવ્યું હતું.