ભુજમાં સવા બે કલાકમાં સવા બે ઇંચ ધોધમાર

ભુજમાં સવા બે કલાકમાં સવા બે ઇંચ ધોધમાર
ભુજ, તા. 10 : કચ્છમાં ગમે એટલો ધોધમાર, અનરાધાર, શ્રીકાર કે સચરાચર વરસાદ પડે પણ જ્યાં સુધી જિલ્લામથક ભુજના હમીરસરમાં પાલર પાણી ન ઠલવાય અને રાજાશાહી વખતનું આ સરોવર ન છલકાય ત્યાં સુધી જિલ્લાભરને સંતોષ નથી થતો. દેશ-વિદેશમાં વસતો કચ્છી વરસાદની પૃચ્છ `હમીરસર'માં કેટલું પાણી આવ્યું ? ઓગની ગયું ? એ પ્રશ્ન દ્વારા જ થાય છે એવા એ ભુજમાં તથા લાડીલા હમીરસરમાં આજે ફિણોટા સાથે પીળાચટ્ટક પાણી ઠલવાયાં હતાં. જિલ્લામથકે મોસમમાં પહેલીવાર જોશભેર વરસેલા મેઘરાજાએ જોતજોતામાં બે ઇંચથી વધુ પાણી વરસાવતાં તીવ્રતમ વરસાદી આડંગની ગરમી-ફારામાં ત્રસ્ત નગરે ઠંડક અનુભવી હતી. માંડવીમાં અડધો ઇંચ, દહીંસરા પંથકમાં અઢી ઇંચ અને નખત્રાણા તાલુકામાં એકાદ ઇંચ વરસાદ નોંધાયો હતો. રામપર વેકરામાં બપોરે વેગીલા વરસાદને પગલે રૂકમાવતી બે કાંઠે વહી હતી. માંડવી તા.નો વિજયસાગર ડેમ આજે છલકાઇ ગયો હતો. બબ્બે વાવાઝોડાની અસર તળે કચ્છમાં વરસાદ વરસી ગયો. અપર એર સાયક્લોનિક સર્ક્યુલેશન થકી પણ ધોધમાર વરસ્યો પણ ભુજ માત્ર?છૂટક છૂટક ઝાપટાંઓથી ભીંજાયું હતું. એક આખી રાત વરસાદ વરસ્યો પણ?તેની ગતિ ધીમી હોવાથી એક-સવા ઇંચ પાણી જ વરસ્યું હતું. જો કે, દુકાળને લાત મારી ચૂકેલા ભુજ તાલુકામાં ધોધમાર વરસાદની ખોટ હતી તે આજે નાગપંચમીના મહ્દઅંશે પુરાઇ હતી. પશ્ચિમી દિશાએથી આવેલા કાળાં ડિબાંગ વાદળોએ સવારે 11 વાગ્યાથી ભુજને ઘેરીને ઝાપટાં વરસાવવાના ચાલુ કર્યા હતા જેનો વેગ 12 વાગ્યા પછી વધીને ભારે ઉગ્ર થયો હતો. જોતજોતાંમાં 55 મિ.મી. વરસાદ સુધરાઇ ચોપડે નોંધાયો હતો. દિનભર કુલ 60 મિ.મી. વરસાદ થયો હતો. બપોરના વરસાદે ગાજ-વીજ સાથે હાજરી પુરાવી હતી અને એક તબક્કે વીજળી પણ?વેરણ થઇ હતી. ભુજના નીચાણવાળા વિસ્તારો પાણી-પાણી થઇ ગયા હતા. બસ સ્ટેશન?(વાણિયાવાડ) બાજુ તો ગોઠણભેર પાણી ભરાયા હતા તો જ્યુબિલી ગ્રાઉન્ડ, ભીડ બજાર અને સરપટ?નાકા બહાર પણ?અનેક જગ્યાએ પાણી ભરાયા હતા પણ વરસાદની હાજરીમાં એ તરફ કોઇ તકલીફનું ધ્યાન જાય એ પહેલાં પાણી ઓસરી ગયા હતા. આ ધોધમાર વેગીલા વરસાદે દહીંસરા પંથકમાં પણ ભારે વ્હાલ વરસાવ્યું અને હમીરસરના સ્રાવ વિસ્તારમાં પણ આકરાં ઝાપટાઓથી ભારે પાણી એકત્ર?થતાં જ મોટો બંધ જીવંત થયો હતો અને ભુજવાસીઓ માટે એક પર્વ તરીકે ઉભરી આવ્યો હતો. હમીરસરમાં જો કે, પાણી ફેલાયું જ હતું. હજુ આવા વધુ વરસાદની આ સરોવરને જરૂર છે. જો કે બપોરે દોઢેક વાગ્યાથી આકાશ ગોરંભાયેલું હોવા છતાં વરસાદ બંધ થઇ ગયો હતો અને ધીમેધીમે તડકો પ્રકાશિત થયો હતો, વાતાવરણમાં ઠંડક પ્રસરેલી ન રહેતાં ફરી બફારાની અસરને પગલે વધુ વરસાદની આશા સેવાતી હતી, પણ આકાશ સ્વચ્છ થઇ ગયું હતું. દહીંસરા પંથકમાં અઢી ઇંચ નરેન્દ્ર ચૌહાણનાં જણાવ્યા અનુસાર આજ વહેલી સવારથી મેઘરાજાની બીજી ઇનિંગ શરૂ થઇ હતી. પ્રથમ ઇનિંગમાં સૌને ખુશ કરી દેનારા મેઘરાજાએ બીજી ઇનિંગમાં પણ અઢી ઇંચ વરસાદ વરસાવ્યો હતો. દહીંસરાનું હરિ સરોવર એક વેંત ઓગનવાથી દૂર છે. આ પંથકની નાની તલાવડી ઓગની ચૂકી છે. ચુનડી રોડ પર આવેલી વાલજી તલાવડી ઓગની ગઇ છે, કેરા રોડ પર નામોરી તલાવડી ઓગની ગઇ છે. ચુનડી સીમમાં રામસાગરમાં ત્રણ વરસનું પાલર પાણી આવી ચૂકયું છે, તો દહીંસરા સીમમાં ડેમ ઓગની ગયો છે. આ સાલે મેઘરાજાએ ખેડૂતો, પશુપાલકો, માલધારીઓ, નાના-મોટા સર્વેને ખુશ કરી  દીધા છે. સમી સાંજે પણ વરસાદી માહોલ છે. લોકોના ખેતરોમાં પાણી ભરાયા છે. ઊભા પાકો માટે સોનામાં સુગંધ જેવો વરસાદ છે. આ વરસાદથી સૌ કોઇ ખુશખુશાલ છે. ગાંધીધામમાં ભારે ઝાપટાં બે દિવસ પહેલાં ગાંધીધામ સંકુલમાં વરસેલા વરસાદની ઠંડક ઓસરતાં આજે સવારથી ફરી ગરમી પકડી હતી ત્યાં બપોરે ત્રણ વાગ્યાના અરસામાં અચાનક આકાશ વાદળોથી ઘેરાયું હતું અને જોરદાર ઝાપટું વરસતાં ફરી રસ્તા ઉપર પાણી વહી નીકળ્યાં હતાં. અડધા કલાકમાં જ બીજું ઝાપટું પણ વરસ્યું હતું. સવારથી તપતા સૂર્યનારાયણે જ્યાં જ્યાં માટી કોરી કરી હતી તે બધું જ ફરી પલળી ગયું હતું. શેરી, ગલીઓમાં કીચડની સમસ્યાથી લોકો ત્રસ્ત જણાયા હોવાનું ગાંધીધામ બ્યૂરોએ જણાવ્યું હતું. તેરામાં દોઢ ઈંચ વરસાદ કચ્છમાં સર્જાયેલા વરસાદી માહોલ વચ્ચે અબડાસા તાલુકાના તેરા ગામે સાંજે 7 વાગ્યાથી શરૂ થયેલી મેઘમહેર થકી દોઢેક ઈંચ પાણી વરસ્યું હતું, તો તાલુકાના અન્ય ગામોમાં પણ ઝરમર સ્વરૂપે મેઘરાજાની ફરી પધરામણી થઈ હોવાનું પ્રતિનિધિએ જણાવ્યું હતું. નખત્રાણા તાલુકો ફરી ભીંજાયો નખત્રાણા તાલુકાના મંગવાણા, જિયાપર, સુખપર, પલીવાડ, યક્ષ સાંયરા, માધાપર મંજલ સહિતના વિસ્તારમાં આજે બપોરે પોણાથી એક ઈંચ જેટલા વરસેલા વરસાદથી વોકળા-છેલા (નદી)માં પાણી જોશભેર વહી નીકળ્યા હતા. જ્યારે તીર્થધામ વાંઢાય, કુરબઈ, અજાપર વિસ્તારમાં એક ઈંચથી વધુ વરસેલા વરસાદથી ખેતી-પશુપાલન માટે આ વરસાદ આશીર્વાદરૂપ થયો છે. સમયસરના સચરાચર વરસાદે લોકજીવનમાં આનંદની લાગણી ફેલાવી છે. વાંઢાયથી અગ્રણી કરસનજી સોઢાના જણાવ્યા મુજબ અડધો કલાક વરસેલા જોરદાર વરસાદથી વાંઢાય તીર્થધામનું ઐતિહાસિક ઈશ્વરસાગર સરોવરના તળિયાનો ઘેરાવો નવા નીરથી ભરાઈ જઈ વધારામાં એક ફૂટ પાણી ચડયું છે. આજે માકપટ સમગ્ર વિસ્તારમાં છાંટા પડયા છે. આકશ વરસાદી વાદળાથી ઘેરાયેલું રહ્યું હતું. ગત ગુરુવારે આ વિસ્તારમાં પશ્ચિમ દિશાએથી સૂર્યાસ્ત પૂર્વે સર્જાયેલા મેઘધનુષ્યએ ખગોળપ્રેમી-રસિકોકુદરતી દૃશ્ય નિરખી પ્રભાવિત થયા હતા. ખાવડામાં ઝાપટું બપોરે એક વાગ્યે ખાવડામાં એક ઝાપટાંમાં અડધો ઈંચ (10 મિ.મી.) પાણી પડયું. રસ્તા પર પાણી વહી નીકળ્યા હતા. ખાવડાથી ભીરંડિયારા અને હોડકા વચ્ચે પણ આજે આવો જ વરસાદ થયો છે. પચ્છમના ગામડાંઓમાં સામાન્ય છાંટાથી વિશેષ નથી. ખાવડાના ખેડૂતોએ હવે વાવણી કરવાનું મન બનાવી લીધું છે. મોસમનો કુલ વરસાદ 88 મિ.મી. જેટલો નોંધાયો છે. હજુ વાતાવરણમાં ઉકળાટ સાથે આસમાન વાદળોથી ઘેરાયેલું છે. રાત્રે વધુ વરસાદની શક્યતા છે. માનકૂવા પંથક રાજીનો રેડ માનકૂવા (તા. ભુજ)થી પ્રમોદસિંહ જાડેજાએ આપેલી વિગતો અનુસાર શ્રીકાર વરસાદે કોરોનાને ભુલાવી દીધો, વરસાદના કારણે દરેક વર્ગ ખુશહાલ થયો. જગતનો તાત કુદરતનો આભાર માનતો થયો.  ભારાસર : મીઠાલાલ મારાજે વરસાદની વાત કરતાં જણાવેલું કે સવારથી બપોરે 2 વાગ્યા સુધી એકધારો વરસાદ થયો, ત્યારબાદ સૂર્યનારાયણે આકરો તડકો આપીને રંગ રાખ્યો, 2થી 3 ઈંચ વરસાદ થયો.  સામત્રાથી જાદવજીભાઈએ ખુશી વ્યક્ત કરી કે પ્રથમ રાઉન્ડ વરસાદમાં 5થી 6 તળાવો છલકાયા અને આજે બાકી રહેલા વામાસર (ભાંભરાઈ) તળાવના 200 ફૂટ લાંબા ઓગન પરથી પાણી છલકાયા જેમાં ચાડવા રખાલની વરસાદી આવથી પાણી ભરાયું. તળાવ કામની ટીમની મહેનત રંગ લાવી. ત્રણેક ઈંચ વરસાદ થયો. વરસાદથી કોઈ નુકસાન નથી. ફોટડીથી વાલજીભાઈ ચાવડા (સરપંચ)એ જણાવેલું કે, 2.5 ઈંચ  વરસાદ નોંધાયો. ગામના શિવનાથ મહાદેવ તળાવ સાથે મોરાણા તળાવ ઓગની જતાં વધાવવાની તૈયારી ચાલે છે. પ્રથમ રાઉન્ડમાં વરસાદમાં વાવણી કરેલી તે મોલ માટે સોના જેવો આ વરસાદ છે. વરસાદ આધારિત ખેડૂતો ખુશહાલ છે. વાડાસરથી પ્રીતિબેન (સરપંચ)ની યાદી જણાવે છે કે, મુશળધાર વરસાદથી શેરીઓમાં પાણી પાણી થઈ ગયા. અમુક ખેતરોના બંધ-પાળાને નુકસાની થયાનું જણાવેલું. પીરવાડી : જુમાભાઈ 2.5 ઈંચ વરસાદથી સરરાશ 8 ઈંચ વરસાદ નોંધાયો, મેડીસરથી અગ્રણી જીલુભા જાડેજાએ ખૂબ જ સારા વરસાદથી વર્ષ 16 આના સારું થયું છે તેમ જણાવેલું હતું.  

© 2021 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer