ગાંધીધામ સંકુલના માર્ગો હાડકાં ખોખરાં કરે તેવા

ગાંધીધામ સંકુલના માર્ગો હાડકાં ખોખરાં કરે તેવા
ગાંધીધામ, તા. 10 : આ શહેર સંકુલમાં છેલ્લા લાંબા સમયથી અનેક આંતરિક માર્ગો ઉપર કૂવા જેટલા ભૂવા પડયા છે. આવા માર્ગો પરથી પસાર થતી વેળાએ ઊંટ ઉપર બેઠા હોઈએ તેવો અહેસાસ લોકોને થઈ રહ્યો છે. આ સંકુલના આંતરિક માર્ગો જાણે દબાણકારો માટે જ બન્યા હોય તેમ આવા માર્ગો ક્યારેય દબાણમુક્ત નથી. ચૂંગીનાકાથી કાસેઝ સુધીના રાષ્ટ્રીય ધોરીમાર્ગને સમાંતર સર્વિસ રોડ ઉપર તોતિંગ અને ભારે વાહનો દોડતાં હોવાથી નાના વાહનચાલકોને પારાવાર મુશ્કેલીનો સામનો કરવાનો વારો આવતો હોય છે. આ સંકુલના માર્ગો મગરમચ્છની પીઠ જેવા ઉબડખાબડ થઈ ગયા છે. અનેક જગ્યાએ કૂવા જેવડા ભૂવા પડી ગયા છે. આવા માર્ગો પરથી પસાર થતી વેળાએ લોકોની કમર તૂટી જતી હોય છે. અનેક જગ્યાએ આવા ખાડાઓના કારણે વરસાદી માહોલમાં અકસ્માતોના બનાવો પણ બન્યા છે. શહેરના સુંદરપુરી પાણીના ટાંકાથી હીરાલાલ પારેખ સર્કલ સુધી તથા પાણીના ટાંકાથી પટેલ હોસ્પિટલ સુધી, ખન્ના માર્કેટ, કલેક્ટર રોડ, ભારતનગર, મહેશ્વરીનગર, સુભાષનગર, ગુરુકુળની સામેનો રોડ, ગણેશનગર, મુખ્ય બજાર, ખુદ પાલિકા કચેરી પાછળના માર્ગો, આદિપુરના મણિનગરના તમામ માર્ગો, 64 બજાર, સિંધુવર્ષા કોલોની, 4વાળી, પાંચવાળી વિગેરે અનેક વિસ્તારોમાં આવેલા આંતરિક માર્ગોની હાલત દયનીય છે. આવા માર્ગોના કારણે લોકોની હાલત કફોડી થઇ પડતી હોય છે. શહેરની ડી.પી.ટી. પ્રશાસનિક કચેરી નજીક ટાગોર રોડની સમાંતર આવેલો સર્વિસ રોડ નાના વાહનચાલકો માટે રાહત સમાન હતો, પરંતુ આ માર્ગ ઉપર અહીંથી છેક આદિપુરની ઘોડાચોકી (કેસરનગર) સુધી દબાણકારોએ કબ્જો લઇ?લીધો છે. દબાણોના કારણે આ માર્ગ દબાઇ?ગયો છે. આવા ગેરકાયદેસરનાં દબાણોના કારણે આ માર્ગને શ્વાસ લેવામાં તકલીફ પડતી હોય તેવું જણાય છે. આવા આંતરિક માર્ગ દબાણમુક્ત કરાય તો ટાગોર રોડ ઉપર ટ્રાફિક સમસ્યા ઓછી થાય અને અકસ્માતોનું પ્રમાણ અટકે તેમ છે. એકબાજુ દબાણ અને બીજીબાજુ ખાડાઓના કારણે જૂજ લોકો જ આ માર્ગ પરથી પસાર થતા હોય છે. બીજીબાજુ ચૂંગીનાકાથી કાસેઝ?સુધીના સર્વિસ રોડ?ઉપર પણ દબાણોનો ખડકલો છે, તેમજ આ માર્ગ ઉપર તોતિંગ વાહનો માતેલા સાંઢની જેમ દોડતા હોવાથી નાના વાહનચાલકો આ માર્ગનો ઉપયોગ કરતી વેળાએ રીતસરના ભયના ઓથાર હેઠળ રહેતા હોય છે. આ શહેર અને સંકુલના માર્ગોનું નવીનીકરણ નહીં કરવામાં આવે તેમજ દબાણ મુક્ત નહીં કરાય તો આગામી સમયમાં પણ અકસ્માતોની હારમાળા સર્જાતી જ રહેશે. કોઇના વ્હાલસોયા કે ઘરધણી રજા લઇ?જાય તે પહેલાં તંત્ર?જાગે તો કોઇનું જીવન બચી શકે તેમ હોવાનું જાગૃત નાગરિકો જણાવી રહ્યા છે. અગ્રણી નાગરિકોના જણાવ્યા પ્રમાણે શહેર સંકુલમાં વરસાદી પાણીના નિકાલની જડબેસલાક વ્યવસ્થા નહીં હોવાથી અને રસ્તાનાં કામમાં ભ્રષ્ટાચારનો ઢોળ ચડેલો હોવાથી માર્ગો જરા જેટલા વરસાદમાં તૂટી જાય છે. આશ્ચર્ય વચ્ચે ચોમાસું નજીક હોય ત્યારે જ રસ્તાનાં કામો હાથમાં લેવાય છે. મતલબ કે લાખોનો ખર્ચ એકાદ મહિનામાં જ પાછો ધોવાઇ જાય છે. 

© 2021 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer