દેશલસર તળાવમાં પાણીની આવથી જળકુંભી કાઢવાનું કામ ખોરંભાયું

દેશલસર તળાવમાં પાણીની આવથી જળકુંભી કાઢવાનું કામ ખોરંભાયું
ભુજ, તા. 10 : શહેરનાં દેશલસર તળાવમાંથી મોડે મોડે શરૂ થયેલાં જળકુંભી વેલ કાઢવાનાં કામમાં આજે વિઘ્ન આવ્યું હતું. ભુજમાં આજના વરસાદને પગલે તળાવમાં નવાં નીરની સાથોસાથ રાબેતા મુજબ ગટરના દૂષિત પાણી પણ ફરી વળ્યાં હતાં. ભુજમાં દેશલસર તળાવમાંથી જળકુંભી વેલ કાઢવાની કામગીરીનો કોન્ટ્રાકટ ભુજ સુધરાઇ દ્વારા અપાયો ત્યારે જ જાગૃતોએ ભીતિ વ્યકત કરી હતી કે, હવે તો વરસાદ નજીક છે ત્યારે આ કામગીરી પૂર્ણ નહીં થઇ શકે. આ ભીતિ સાચી ઠરી હોય તેમ આજે ભુજમાં ભારે વરસાદને પગલે તળાવમાં પાલર પાણીની તો આવ થઇ જ, પરંતુ સાથોસાથ ગટરના દૂષિત પાણી પણ આવતાં વેલ કાઢવાની કામગીરી ખોરવાઇ જશે.  અત્રે ઉલ્લેખનીય છે કે, જળકુંભી વેલ કાઢવાની કામગીરીના કોન્ટ્રાક્ટમાં એક વર્ષ સુધીની કોન્ટ્રાકટરની જવાબદારી  નક્કી કરાઇ છે. જો કે, આ વેલના મૂળ નથી અને પાણીમાં અદ્ધર રહીને જ પોષણ મેળવે છે જેથી એક તરફ વેલ કઢાય છે તો બીજી તરફ ફરી ઉગી આવતી હોવાનું સૂત્રોમાંથી જાણવા મળ્યું છે.  

© 2021 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer