ભુજ હોસ્પિટલ રોડ જાણે `ભૂવા રોડ''

ભુજ હોસ્પિટલ રોડ જાણે `ભૂવા રોડ''
ભુજ, તા. 10 : શહેરના હાર્દ સમા હોસ્પિટલ રોડનું નામ ટૂંક સમયમાં બદલી અને ભૂવા માર્ગ કરાય તો નવાઇ નહીં તેવી ટિખળ જાગૃત નાગરિકો કહી રહ્યા છે. ગટરના મસ મોટાં કામોના પાપે આ માર્ગે વારંવાર ભૂવા પડતાં રાહદારીઓ અને વાહનચાલકો ત્રાહીમામ પોકારી ઊઠયા છે. ભુજમાં હજારો લોકોની અવર-જવરથી ધમધમતા હોસ્પિટલ રોડ પર એક બાદ એક ભૂવા પડતાં રાહદારીઓ-વાહનચાલકો માટે જોખમ સર્જાયું છે. થોડા દિવસો પહેલાં વી.એચ. પટેલ હોસ્પિટલની સામે તરફના માર્ગે મોટા પાયે ગટર લાઇન નાખવાનું કામ ભુજ સુધરાઇ દ્વારા હાથ ધરાયું હતું. પરંતુ કામ પૂર્ણ થયા બાદ યોગ્ય રીતે પૂરાણ ન કરાતાં ખોદેલા ભાગે ભૂવા પડી રહ્યા છે. આજે વરસાદને પગલે કેમ્પ તરફથી હોસ્પિટલ રોડ પર આવતા વળાંકે ભૂવામાં કાર ધસી પડી હતી અને તેમાં સવારો મુશ્કેલીમાં મુકાયા હતા. તો, અહીંથી આગળ જતા માર્ગે થોડા સમય પહેલાં પડેલા ભૂવાની મરંમત કરાઇ હતી તેનાથી થોડે આગળ જ નવો ભૂવો પડતાં માર્ગ બેસી ગયો હતો.  નબળાં કામને પગલે સુધરાઇ એક સાંધે ત્યાં તેર તૂટે તેવો તાલ સર્જાયો છે અને લાખોના ખર્ચ છતાં લોકોની સમસ્યા હલ થવાને બદલે વધુને વધુ વિકરાળ બની રહી હોવાનું જાગૃત શહેરીજનો જણાવી રહ્યા છે.  

© 2021 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer