34 વર્ષીય મહિલાને મળ્યું 24 વર્ષના યુવાનું હૃદય

34 વર્ષીય મહિલાને મળ્યું 24 વર્ષના યુવાનું હૃદય
કેરા (તા. ભુજ), તા. 10 : સુરત અને અ'વાદ કોરોના કેન્દ્ર બની ચૂક્યા છે. બંને શહેરમાં વરસાદી વાતાવરણ છે. એક બાજુ કોવિડ ચેપનો ખતરો તો બીજી બાજુ હૃદય લાવવામાં નાનકડા વિમાનને હવામાનનો પડકાર. આવા પડકાર ડો. ધીરેન શાહના સંકલ્પને ડઘાવી શક્યા નહીં અને કોરોનાકાળમાં ગુજરાતમાં હૃદય પ્રત્યારોપણની સર્જરી સફળ રહી. 34 વર્ષીય હૃદયરોગી મહિલાનું હૃદય બદલવું જરૂરી હતું. સુરતના 24 વર્ષનો યુવા માર્ગ અકસ્માતે બ્રેઈન ડેડ હતો. અંગદાનની સગવડ સુરતના નીલેશ માડલેવાલે ડોનેટ લાઈફ મારફતે કરી. આ સર્જરી માટે ભારતમાં અંગ પ્રત્યારોપણની માર્ગદર્શિકા મુજબ ક્રોસમેચ થયું, વરસાદ અને વાદળાના કારણે સુરત-અ'વાદ વચ્ચે વિમાન ઉડાન જોખમી જાહેર થયું. એક પછી એક અવરોધ સર્જાયા, પણ ગુજરાતના પ્રથમ હૃદય પ્રત્યારોપણ સર્જરીનું જેને માન છે તેવા મૂળ કચ્છી રામાણિયાના સર્જન ડો. ધીરેન શાહને અવરોધ ડઘાવી શક્યા નહીં અને શુક્રવારે સર્જરી થઈ, મહિલા તંદુરસ્ત છે. કચ્છમિત્ર સાથે વાત કરતાં ડો. શાહ કહે છે કે, કોવિડકાળમાં આવી સર્જરી સમગ્ર પશ્ચિમ ભારતમાં આ પ્રથમ છે. દર્દીના પરિજનોએ પણ સંતોષ વ્યક્ત કર્યાના મીડિયા હેવાલો પ્રસિદ્ધ થયાનું પી.આર.ઓ. ડો. કેતન આચાર્યે ઉમેર્યું હતું. આ પડકારભર્યા ઓપરેશનમાં ડો. ધીરેન શાહ સાથે અન્ય સર્જન ડો. ધવલ નાયક અને ડો. અમી ચૌહાણ ઉપરાંત એનેસ્થેટિક્ટ ડો. ચિંતન શેઠ, ડો. હિરેન ધોળકિયા, ડો. નરેન ભાવસાર રહ્યા હતા. 

© 2021 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer