હોડકોની આગવી ઓળખ સમા રાષ્ટ્રીય પુરસ્કાર વિજેતા કલાકારનું અવસાન

હોડકોની આગવી ઓળખ સમા રાષ્ટ્રીય પુરસ્કાર વિજેતા કલાકારનું અવસાન
નિરોણા (તા. નખત્રાણા), તા. 10 : સમગ્ર બન્નીમાં મારવાડા (મેઘવાળ) સમાજના મોવડી, ચર્મ હસ્તકલામાં રાષ્ટ્રીય એવોર્ડ અને શિલ્પ કલાગુરુ એવોર્ડ વિજેતા માસ્ટર કસબી અને આરાધીવાણીના અચ્છા કલાકાર ભસર ભુરાભાઇ ખોયલાનું ટૂંકી માંદગી બાદ અવસાન થતાં સમગ્ર બન્ની પંથક અને કલા જગતમાં શોકની લાગણી ફેલાઇ છે. સદ્ગત ભસરભાઇ બન્ની પંથકમાં જ નહીં સમગ્ર કચ્છમાં ચર્મકલાના `માસ્ટર' કારીગર ગણાતાં હતા. ચર્મકલાના વડીલોપાર્જિત વારસાના જતન માટે ભારે પ્રયત્નો આદર્યા હતા. ઘર આંગણે દેશી ચામડું પકવી તેમાંથી કોસ, ચડાઇ, સાંધારી, જોતર, નાળી, જોડા, છપાટ જેવી અસલી વસ્તુઓનું ચલણ ધીરે-ધીરે નષ્ટ થયા પછી ચર્મકલાના મોટાભાગના કસબીએ પોતાના વારસાગત કસબને ટકાવવું ભારે મુશ્કેલ બન્યું હતું. આવી વિકટ પરિસ્થિતિ વચ્ચે પણ તેમણે પોતાની પરંપરાગત ચર્મકલામાં સમય અને સંજોગો અનુરૂપ કલાત્મક ફેરફાર આણી આ કલામાં ભારે માસ્ટરી મેળવી હતી અને આ જ કારણોસર ભારત સરકારે વર્ષ 1983માં ચર્મકલાને જીવંત રાખવા બદલ નેશનલ એવોર્ડની જાહેરાત કરી તત્કાલીન રાષ્ટ્રપતિ જ્ઞાની ઝૈલસિંઘના હસ્તે આ બહુમાન મળ્યુ હતું. બન્ની પચ્છમમાં નષ્ટ થવાને આરે ઊભેલી ચર્મકલાને જીવંત રાખવા અને નવી પેઢીને તેમાં સામેલ કરવા તેઓ વર્ષોથી ઝઝુમતા રહ્યા હતા. આર્થિક અને સામાજિક અનેક અડચણો વચ્ચે ચર્મકલાને ટકાવી જ નહીં તેના પ્રચાર અને પ્રસાર ક્ષેત્રે કરેલી ઉત્કૃષ્ટ કામગીરી બદલ ભારત સરકારે વર્ષ 2013માં ગૌરવરૂપ પુરસ્કાર શિલ્પ કલાગુરુ એવોર્ડ અર્પણ કરી સન્માન કર્યું હતું. સદ્ગત ભસરભાઇ ચર્મકલા ક્ષેત્રે તો કચ્છભરમાં જાણીતા હતા સાથે આરાધીવાણીના એક અચ્છા કલાકાર તરીકે પણ ગણના થતી. રામસાગરના સથવારે, ઘડા-ઘમેલાના તાલે અને મંજીરાના રણકાર સાથે રાતભર એક જ આસન પર બેસી પરંપરાગત આરાધીવાણીના સૂરો રેલાવવામાં પણ પ્રખ્યાત હતા. 1988માં દિલ્હીના ક્રાફટસ મ્યુઝિયમના ડિરેકટર જ્યોતીન્દ્ર જૈન અને ઇન્ડિયન કાઉન્સિલ ફોર કલ્ચરલ રિલેશન્સના પ્રયાસોથી જાપાનના ટોકિયો ખાતે યોજાયેલા સાંસ્કૃતિક મેળાવડામાં સાદ્ગત ભસરભાઇની આગેવાની હેઠળ ચાર સભ્યની ટીમે આરાધી ભજનો ગાઇ ભારે નામના મેળવી હતી. પછી તો તેઓએ જર્મની, લંડન અને સિંગાપોરમાં પણ જઇ ચર્મકલા સાથે સાંસ્કૃતિક મેળાવડામાં આરાધીવાણી દ્વારા ભારે પ્રસિદ્ધિ મેળવી હતી. ગુરુવારના મોડી સાંજે હૃદયરોગના હુમલાથી હોડકો (બન્ની) ખાતે ભસરભાઇનું અવસાન થતાં બન્ની અગ્રણી દાદા મિયાં હુશેન (ધોરડો), જાલુભા સોઢા (કુરન) સહિત મોટી સંખ્યામાં  હિન્દુ-મુસ્લિમ અગ્રણીઓએ શ્રદ્ધાંજલિ આપી હતી. 

© 2021 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer