ગાંધીધામમાં કોરોનાના દર્દીને તેમના ઘરે જ સારવાર આપવાનો પહેલો પ્રયોગ
ગાંધીધામ, તા.10 :કચ્છમાં છેલ્લા એક મહિનાથી કોરોનાનું સંક્રમણ વધ્યું છે અને આજના કેસ સહિત સંક્રમિત દર્દીઓનો આંક 232 જેટલો થયો છે. આ તમામ દર્દીઓને હોસ્પિટલમાં જ સારવાર અપાઈ છે ત્યારે ગાંધીધામમાં સંક્રમિત રેલ કર્મચારીને ઘરે જ સારવાર આપવાનો પ્રયોગ વહીવટી તંત્ર દ્વારા કચ્છમાં પ્રથમ વખત કરવામાં આવ્યો છે. આ અંગે મળતી વિગતો મુજબ સંક્રમિત રેલવે કર્મચારીની તબિયત વધુ ખરાબ નથી. તાવ સિવાય વધુ કોઈ લક્ષણો ન હોતાં વહીવટી તંત્ર દ્વારા હોમકવોરેન્ટાઈન રાખી સારવાર આપવા નિર્ણય લેવાયો છે. રેલવેના તબીબો દ્વારા સતત મોનિટરિંગ કરાશે. આરોગ્ય વિભાગનો સ્ટાફ સમયાંતરે મુલાકાત લેશે તેમજ વીડિયો કોલિંગ દ્વારા તબીબો દર્દી સાથે સંપર્કમાં રહેશે.અત્યાર સુધી લક્ષણો ન ધરાવતા હતા તેવા દર્દીઓને પણ કોવિડ હોસ્પિટલમાં સારવાર અપાઈ છે, પરંતુ આજે પ્રથમ વખત ઘરે સારવાર આપવાનો લેવાયેલો નિર્ણય સૂચક હોવાનું મનાઈ રહ્યું છે. જે રીતે કચ્છમાં કોરોનાના કેસ વધી રહ્યા છે તેને ધ્યાનમાં રાખીને આ નિર્ણયલેવાયો હોવાનું અંતરંગ વર્તુળો જણાવી રહ્યા છે. જો આગામી બે કે ત્રણ દિવસમાં જ વધુ કેસ આવી જાય તો દાખલ દર્દીઓને તો ઘરે મોકલી ન શકાય. જેથી ઓછાં લક્ષણ ધરાવતા દર્દીઓને ઘરે જ સારવાર આપવાનું શરૂ કરાયું છે. જો દર્દીની તબિયત વધુ બગડે તો તુરંત કોવિડ હોસ્પિટલમાં ખસેડાશે. જો કે ઘરે જ સારવાર આપવાના આ નિર્ણયથી રેલવે કોલોનીમાં ચકચાર પ્રસરી છે. આ દર્દીને રેલવે હોસ્પિટલના આઈસોલેશન વોર્ડમાં ખસેડવા તજવીજ ચાલતી હોવાનું આંતરિક વર્તુળોએ જણાવ્યું હતું.