રેલવે ગાર્ડ સહિત પાંચ કોરોનાગ્રસ્ત વધ્યા
ગાંધીધામ, તા. 10 : કોરોનાના ફ્રંટલાઈન વોરિયર એવા રેલવેના સંક્રમિત કર્મચારીઓની સંખ્યા અમદાવાદમાં વધી રહી છે ત્યારે ગાંધીધામમાં ગાર્ડ તરીકે ફરજ બજાવતા રેલ કર્મચારી કોરોનાની અડફેટમાં આવતા રેલવે કર્મચારીઓમાં ભારે હડકંપ મચી ગયો છે. આ ઉપરાંત ખાનગી ઉદ્યોગ ગૃહમાં નોકરી કરતો અને ગાંધીધામના ઝુંપડપટ્ટી વિસ્તારમાં રહેતો યુવાન અને તાલુકાના ગળપાદરનો યુવાન પણ આ વાયરસની ઝપટમાં આવ્યા છે. જયારે રાપર શહેરમાં અને બંદરીય મુંદરામાં પણ કોરોનાના એક એક કેસ નોંધાયા હતા. ગાંધીધામ તાલુકા આરોગ્ય અધિકારી ડે. દિનેશ સુતરિયાના જણાવ્યા પ્રમાણે રેલવેમાં ગુડઝ ટ્રેનના સિનીયર ગાર્ડ તરીકે ફરજ બજાવતા લોકેશકુમાર સિંઘ (ઉ.વ.40)ને ચાર પાંચ દિવસથી તાવ આવતો હતો. તેણે રેલવે કોલોનીની હોસ્પિટલમાં સારવાર લીધી હતી. કોવિડના લક્ષણો જણાતાં તેનું સેમ્પલ લેવાયું હતું. આજે રિપોર્ટ પોઝિટિવ આવ્યો છે. સંક્રમિત કર્મચારી ફરજના ભાગરૂપે ધ્રાંગધ્રા ગયા હતા. એ સિવાય તેમની કોઈ ટ્રાવેલ હીસ્ટ્રી નથી. આરોગ્ય તંત્રના અધિકારીઓએ રેલવે કોલોનીમાં પહોંચીને વિસ્તારને કન્ટેઈનમેન્ટ ઝોન બનાવવાની કામગીરી આદરી હતી. તેમના સંપર્કમાં આવેલા પરિવારજનો સહિત 24 જેટલા લોકોને કવોરેન્ટાઈન કરવાની કામગીરી ચાલુ છે. શહેરના સુંદરપુરી ઝુંપડપટ્ટી વિસ્તારમાં બે દિવસ બાદ વધુ એક કેસ બહાર આવતાં ચકચાર પ્રસરી છે. અંજાર તાલુકાના વરસામેડી ખાતે આવેલી વેલ્સપન કંપનીમાં કામદાર તરીકે નોકરી કરતા રવિ ધુઆનો રિપોર્ટ આજે પોઝિટિવ આવ્યો છે. અત્રે ઉલ્લેખનીય છે કે અગાઉ પણ કંપનીના કર્મચારી સંક્રમિત થયા છે. સુંદરપુરીમાં બીજો કેસ આવતાં તંત્ર પણ ચિંતિત બન્યું છે. આ યુવાનને પણ શંકાસ્પદ લક્ષણો જણાતાં સેમ્પલ લેવાયું હતું. આ ઉપરાંત તાલુકાના ગળપાદર ગામના ભવાની નગર વિસ્તારમાં રહેતા યુવાન પ્રતીક નટવરલાલ ઠક્કરનો રિપોર્ટ ખાનગી લેબોરેટરીમાં પોઝિટિવ આવ્યો છે. સંક્રમિત યુવાન અમદાવાદથી આવ્યા બાદ તેની તબિયત બગડી હતી. ગાંધીધામમાં ખાનગી તબીબ પાસે સારવાર લીધી હતી. સીટીસ્કેન કરાવાયા બાદ તબીબે પ્રાઈવેટ લેબોરેટીમાં કોરોનાનો રિપોર્ટ કરાવવા સૂચવ્યું હતું. રાપર શહેરમાં પણ આજે વધુ એક પોઝિટિવ કેસ નોંધાતા તાલુકામાં કોરોનાના દર્દીઓની સંખ્યાનો આંક 19 જેટલો થયો છે. 38 વર્ષીય સુરેશ પ્રભુ દરજી ગત 7 તારીખે મુંબઈથી આવ્યા હતા.તુરંત તેમની તબિયત બગડતાં ગત તા. 8ના સેમ્પલ લેવાયું હતું. શરદી ઉધરસ ઉપરાંત ગળાંમાં પણ તકલીફ સહિતના લક્ષણો દેખાયાં હતાં. તેમના પાંચ પરિવારજનો સહિત કુલ 46 જેટલા લોકોને કવોરેન્ટાઈન કરાયા હોવાનું તાલુકા આરોગ્ય અધિકારી ડો. પોલે જણાવ્યું હતું. આજે વધુ પાંચ કેસ આવતાં કચ્છમાં કોરોનાના દર્દીઓનો આંક 232 થયો હતો. જો કે એક્ટિવ કેસની સંખ્યા 74 હોવાનું જિલ્લા પંચાયત દ્વારા જારી કરાયેલી અખબારી યાદીમાં જણાવાયું હતું. આજે આદિપુરની હરિઓમ હોસ્પિટલમાંથી બેલાના દેવુભા વાઘેલા, વિજેન્દ્રસિંઘ (બીએસએફ ) અને શિવાની ભગવંત ઉપાધ્યે(મેઘપર બોરીચી)એ કોરોનાને મહાત આપતાં રજા આપવામાં આવી હતી. આ સાથે કચ્છમાં સાજા થયેલા દર્દીઓની સંખ્યા 149 થઈ છે. મુંદરાથી મળેલા અહેવાલ મુજબ બંદરીય નગર મધ્યે વર્ધમાનનગર-1માં રાજગોર સમાજવાડીની બાજુમાં કોરોનાનો એક કેસ પોઝિટિવ નીકળતાં નગરમાં ફફડાટ ફેલાયો હતો. મેડિકલની દુકાન ચલાવતા ભાભરના હાલે મુંદરા રહેતા નિકુંજ ઠક્કર કોરોનાથી સંક્રમિત થયા હતા. આરોગ્ય વિભાગના હરિભાઈ જાટિયાના જણાવ્યા અનુસાર કોરોના પોઝિટિવ નીકળતાં આજુબાજુના 24 મકાનો 14 દિવસ માટે ક્વોરેન્ટાઈન કરવામાં આવ્યાં છે. જ્યારે સ્થળ પર ડો. ક્રિષ્નાબેન ઢોબરિયા, ડો. પૂજાબેન કોટડિયા, ડો. સંજયભાઈ યોગી તથા પોલીસ કર્મીઓ સ્થળ પર પહોંચ્યા હતા.