ખેડોઇ પાસેની કંપની સામેની હોટલમાં ગેસના બાટલામાંથી આગ નીકળતાં બે જણ દાઝ્યા
ભુજ, તા. 10 : અંજાર તાલુકામાં ખેડોઇ ગામ નજીક કાર્યરત માન ઇન્ડસ્ટ્રીઝ નામની કંપની સામે આવેલી હોટલમાં ગેસના બાટલામાંથી અકસ્માતે આગ નીકળતાં રસોઇકામ કરી રહેલા બે કામદાર દાઝી ગયા હતા. ગત રાત્રે નવેક વાગ્યાના સુમારે બનેલી આ ઘટનામાં દાઝી ગયેલા નૂરઆલમ સમીરહુશેન (ઉ.વ. 30) અને ભીમા દિનેશ ઠાકુર (ઉ.વ. 27)ને અંજારથીવધુ સારવાર માટે અત્રેની જનરલ હોસ્પિટલમાં દાખલ કરાયા છે. પોલીસ સમક્ષ લખાવાયેલી વિગતો મુજબ આ બન્ને ભોગ બનનારા હોટલમાં રસોઇનું કામ કરી રહ્યા હતા ત્યારે અચાનક ગેસના બાટલામાંથી આગ નીકળતાં તેઓ તેની ઝપટમાં આવી ગયા હતા.