હવે પાવરનામાની ફરજિયાત નોંધણી કરાવવી પડશે

ભુજ, તા. 10 : રાજ્ય સરકારે નોંધણી અધિનિયમ 1908માં મહત્ત્વપૂર્ણ સુધારો કરી તમામ પ્રકારના પાવરનામાની નોંધણી રજિસ્ટ્રાર કચેરીમાં કરાવવાનું ફરજિયાત બનાવી દેવાયું છે. સાથોસાથ બોગસ પાવરનામા બનાવી આચરાતા જમીન ગોટાળા પર અંકુશ લાવવા માટે અગાઉ નોંધાઇ ગયેલા પાવરનામામાં મૂળ પાવરદાર હયાત હોય તો પાવર આપનાર હયાતીનું પ્રમાણ દાખલા સાથે ફરજિયાત રજૂ કરવું પડશે તેવો આદેશ કર્યો છે. નોંધણી નિરીક્ષક ભુજની સત્તાવાર યાદીમાં જણાવ્યા અનુસાર રાજ્યવ્યાપી આદેશનો આજથી કચ્છમાં અમલ શરૂ કરી દેવાયો છે જે અંતર્ગત પાવરનામાની સાથે સેલ સર્ટિફિકેટની નોંધણી ફરજિયાત કરાવવી પડશે. ઇન્ચાર્જ નોંધણી નિરીક્ષક જયંતી ગોરે જણાવ્યું કે, નોટરી મારફત નોંધાતા પાવરનામા માન્ય ગણાશે નહીં. નોટરી મારફત નોંધાતા પાવરનામાના લીધે સરકારી તિજોરીમાં ડયૂટીની આવકનું પડતું મોટું ગાબડું આ નવા ફરમાનથી ચોક્કસથી પૂરી શકાશે. દસ્તાવેજમાં લખી આપનાર, લખાવી લેનાર અને ઓળખાણ આપનાર પક્ષકારોના પ્રમાણિત ઓળખકાર્ડ ફરજિયાત આપવા પડશે. તેની સાથે દસ્તાવેજમાં દરેક પક્ષકારોની સહી, અંગૂઠો દરેક પાને અને ઇ-ચલણ પણ કરવાનો રહેશે. પેઢી, મંડળી, કંપની વતી પક્ષકાર દસ્તાવેજ રજૂ કરે તો તેનો ઓથોરિટી ઠરાવ રજૂ કરવો પડશે. તો ઇ-પેમેન્ટના ચલણની વિગતો અને દસ્તાવેજની વિગતોમાં વિસંગતતા જણાશે તો દસ્તાવેજનો સ્વીકાર કરી નહીં શકાય તેવુંય યાદીમાં જણાવાયું છે. નોંધનીય છે કે, કચ્છમાં પણ બોગસ પાવરનામા બનાવી આચરાતા જમીન ગોટાળાના અનેક કિસ્સા પ્રકાશમાં આવી ચૂક્યા છે ત્યારે આ આદેશ અનેક રીતે મહત્ત્વનો બનશે. 

© 2021 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer