નારાણપર-કેરા માર્ગે ધારાસભ્યની `સ્ટ્રાઇક''

કેરા (તા. ભુજ), તા. 10 : લોકશાહીમાં કાં તો લોકો જાગે કાં તો પ્રતિનિધિ. નારાણપર-કેરા માર્ગે બેય જાગે છે છતાં થોડા વરસાદે માર્ગ ઉખડી જાય છે. અંતે ધારાસભ્યે ઊભા રહી ખાડા ભરાવ્યા ! 8 કરોડના ટેન્ડરવાળા કેરા-નારાણપર માર્ગ છેલ્લા ત્રણ માસથી તેના નબળા કામના આક્ષેપ સાથે ચર્ચામાં છે. ધારાસભ્ય ડો. નીમાબેન આચાર્ય સમગ્ર ભુજ મતવિસ્તાર સાથે લેવા પટેલ ચોવીસીમાં વિશેષ સક્રિય-જાગૃત છે. કચ્છમિત્રના અહેવાલ પછી તેમણે ગ્રામજનો, અગ્રણીઓ સાથે ઠેકેદાર રાજાણીને ચાલુ કામે માર્ગ પર બોલાવી નિરીક્ષણ કર્યું હતું. એટલું જ નહીં માથે ઊભા રહી ખાડા પુરાવી પ્રેરક વર્તન કર્યું હતું. ઠેકેદારને ભૂલ કબૂલાવી હતી. આવા કાર્ય નહીં ચલાવી લેવાય એવો સર્વસામાન્ય સંદેશ આપી દીધો હતો. કચ્છમિત્ર સાથે વાતમાં તેમણે કહ્યું, મેં જાતે જોયું છે. કામ તો સારું કરવું જ પડશે. જો ઢીલ દેખાશે તો ઠેકેદારને બ્લેક લિસ્ટ કરવા પણ ભલામણ કરીશ. લોકોના ટેક્સના પૈસા છે. એળે નહીં જવા દઉં... નિરીક્ષણ સમયે માર્ગ-મકાન વિભાગના શ્રી સોલંકી, સાઇટ ઇજનેર સહિતના જવાબદારો હાજર રખાયા હતા. અત્રે ઉલ્લેખનીય છે કે, અગાઉ આ માર્ગે તે સમયના જિ.પં.ના સભ્ય તુલસાબેન દેવેન્દ્ર વાઘજિયાણીએ ભ્રષ્ટાચાર પર `સ્ટ્રાઇક' કરી કામ બંધ કરાવ્યા હતા. બાદમાં છેલ્લા વર્ષોમાં દુર્લક્ષ પછી નીમાબેને જવાબદાર લોકપ્રતિનિધિને છાજે તેવું વલણ લેતાં ખોટું કરનારમાં ફફડાટ ફેલાયાની ચર્ચા જાગી છે. રાવરી સરપંચ હંસાબેન અશોકભાઇ ભુડિયા, પસાયતી સરપંચ પુરબાઇ હરીશ વેકરિયા જોડાયા હતા. 

© 2021 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer